જમીની નેતા જયેશ રાદડિયા સાથે અન્યાય: અમિત ચાવડા
રાજકોટની જનઆક્રોશ સભામાં ભાજપની નીતિ સામે ઉઠાવેલા પ્રશ્ર્નો: નિષ્ફળ હર્ષ સંઘવીને પ્રમોશન અને સફળ નેતાને પડતા મૂકાયાના આકરા પ્રહાર
સૌરાષ્ટ્રના પાટીદારોને રિઝવવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો વધુ એક ઘા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે અને તેનો પ્રારંભ રાજકોટથી જન આક્રોશ સભા યોજી કર્યા હતાં. આ સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સરકારને આડે હાથ લીધી હતી. પાટીદારોને રિઝવવા માટે જયેશ રાદડિયાને મંત્રી મંડળમાં સ્થાન નહીં આપતાં સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતાં.
અમિત ચાવડાએ તેમના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, ગુજરાતની ભ્રષ્ટાચારી સરકારના મંત્રીઓ ઘર ભેગા થયા છે તો હવે કેપ્ટન એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ક્યારે ઘરભેગા થશે? તેમણે આગાહી કરી કે, બિહારની ચૂંટણી પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘તબિયત ખરાબ’ હોવાનું બહાનું આપીને રાજીનામું આપી દેશે. આ ઉપરાંત, તેમણે સરકારમાં પ્રમોશનની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જમીન સાથે જોડાયેલા જયેશ રાદડિયા જેવા નેતાઓને પ્રમોશન મળતું નથી, પરંતુ જેના રાજમાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેવા હર્ષ સંઘવીને પ્રમોશન મળે છે.
અમિત ચાવડાએ TRP ગેમઝોન અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવતા આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓના મળતીયાઓને કારણે આ દુર્ઘટના થઈ હતી અને તેના મુખ્ય આરોપીઓ ખુલ્લા ફરે છે. તેમણે ભાજપ પાસે અગ્નિકાંડના આરોપીઓને જેલમાં મળવા ગયેલા નેતાઓનું લિસ્ટ જાહેર કરવાની માગ કરી હતી. બીજી તરફ, મુકુલ વાસનિકે ગુજરાતમાં ચાલી રહેલી રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં પનફરતની રાજનીતિથ ચાલી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી કે ગુજરાત કોંગ્રેસ ગાંધી અને સરદારના રસ્તે ચાલશે. તુષાર ચૌધરીએ ભાજપ પર ‘મત ચોરી’નો આક્ષેપ કર્યો હતો અને કહ્યું કે રાહુલ ગાંધીએ ડિજિટલ મતદાર યાદી માગી છે, પરંતુ ભાજપ તે આપતી નથી.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ગુજરાતમાં રસ્તાઓમાં ખાડા છે. જ્યાં જુઓ ત્યાં ગેરવહીવટ ચાલે છે, ખુલ્લેઆમ હત્યાઓ થાય છે, બેરોજગારી અને મોંઘવારી વધી છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ પક્ષનો એક એફ કાર્યકર્તા તમામ વોર્ડના તમામ બુથના એક એક ઘર સુધી જશે અને મતદારયાદીની ચકાસણી કરશે અને તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખશે.
ગુજરાતમાં નફરતની રાજનીતિ ચાલી રહી છે: મુકુલ વાસનિક
મુકુલ વાસનિકે કહ્યું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં ગોડસેની વિચારધારા ચાલી રહી છે. જે ગાંધીજીએ વિશ્વને અહિંસાનો સંદેશો આપ્યો અને ગુલામ ભારતને આઝાદ કર્યું તે ગુજરાતમાં નફરતની રાજનીતિ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સરદાર પટેલ 1920થી 1945 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જેથી હવે ગુજરાત કોંગ્રેસ ગાંધી અને સરદારના રસ્તે ચાલશે.