ગુજરાતમાં છોકરાઓ કરતા છોકરીઓમાં બાળમૃત્યુ દર ઓછો
દર ત્રણમાંથી બે બાળકોનું વજન 1 કિલોથી ઓછું; ચિંતન શિબિરમાં વ્યક્ત કરાયેલી ચિંતા
એક તરફ જ્યાં સમાજમાં પુત્ર પ્રાપ્તિનો મોહ હજુ પણ નવજાત બાળકીઓને ત્યજી દેવા અથવા ભ્રૂણહત્યાના જોખમમાં મૂકે છે, ત્યાં ગુજરાતમાં બાળ મૃત્યુદર (IMR)ના આંકડા દર્શાવે છે કે છોકરીઓ છોકરાઓ કરતાં વધુ લડાયક અને સક્ષમ છે. બીજી તરફ નવજાત શીશુઓમાં ઓછું વજન ગુજરાત માટે ચિંતા અને ચિંતનનો વિષય બનેલ છે.
રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા એક ચિંતન શિબિરમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓ અનુસાર, રાજ્યમાં જન્મેલા 6.25 લાખ છોકરા ઓમાંથી, વિવિધ આરોગ્યની જટિલતાઓને કારણે 6,284 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. તેની સામે, જન્મેલી 5.77 લાખ છોકરી ઓમાંથી 4,692 બાળકીઓનાં મૃત્યુ નોંધાયાં હતાં. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે છોકરાઓનો મૃત્યુદર છોકરીઓ કરતાં વધુ છે.
ગુજરાતે તેના IMRમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વર્ષ 2005માં 1,000 જન્મ સામે 54 મૃત્યુ સામે 2023માં તે ઘટીને 20 મૃત્યુ પ્રતિ 1,000 જીવંત જન્મ થયો છે. જોકે, તે હજુ પણ કેરળ (5), દિલ્હી અને મહારાષ્ટ્ર (14) જેવા સારા પ્રદર્શન કરનારા રાજ્યોથી પાછળ છે.
નિષ્ણાતોના મતે, આ ડેટાનું ઊંડું વિશ્ર્લેષણ કરતાં જણાય છે કે ઓછું વજન એક મોટી ચિંતા છે. લગભગ 66% અથવા દર ત્રણમાંથી બે બાળ મૃત્યુમાં જન્મ સમયે 1 કિલોગ્રામ અથવા તેનાથી ઓછું વજન ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે. પ્રથમ સાત દિવસમાં થતા મૃત્યુનું મુખ્ય કારણ સમય પહેલા જન્મ અને ઓછું જન્મ વજન (35%) હોય છે.
પ્રાદેશિક સ્તરે પણ વિસંગતતાઓ જોવા મળી છે. શહેરી વિસ્તારોમાં શરૂૂઆતમાં નવજાત શિશુનાં મૃત્યુ વધુ થાય છે, પરંતુ સંસ્થાકીય ડિલિવરીના કારણે પછીથી તેમના બચાવના દરો મજબૂત હોય છે.
બીજી તરફ, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ડિલિવરી દરમિયાન અને પોસ્ટનેટલ કેરમાં રહેલી ખામીઓને કારણે મૃત્યુ વધુ થાય છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો પોષણની ઉણપ અને ચેપના ઊંચા દર સામે સંઘર્ષ કરી રહ્યા છે. આરોગ્ય અધિકારીઓ ભારપૂર્વક જણાવે છે કે IMR એ બહુમુખી મુદ્દો છે, અને સ્વસ્થ જન્મ વજન અને યોગ્ય પોષણ સુનિશ્ચિત કરવા માટે ગર્ભવતી મહિલાઓથી જ કાળજી લેવી જરૂૂરી છે.