શહેરની હદમાં આવેલા ઉદ્યોગોને વધારાની 0.6 પેઈડ FSI મળશે
મહાનગરપાલિકાઓ અને સત્તા મંડળોની હદમાં આવતા ઉદ્યોગોને જંત્રીના 30 ટકાના દરે FSI આપવા સરકારનો નિર્ણય રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃતિને પ્રોત્સાહન મળે અને તે માટે વધુ જમીન ઉપલબ્ધ થઇ શકે તેવા હેતુથી શહેરી વિકાસ સત્તામંડળ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એકમોની જમીન માટે મળવાપાત્ર બેઝ એફએસઆઇ-1 ઉપરાંત વધારાની 0.6 એફએસઆઇને જંત્રીના 30 ટકાના દરે ચાર્જેબલ એફએસઆઇ તરીકે આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. તેના કારણે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એકમોને કુલ 1.6 એફએસઆઇ ઉપલબ્ધ થઇ શકશે. શહેરી વિકાસ વિભાગે કરેલા નિર્ણય પ્રમાણે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2020 મુજબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જમીનોમાં વિકાસ પરવાનગી માટે સત્તામંડળ સમક્ષ રજૂ થતા લે-આઉટ પ્લાનમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઔદ્યોગિક એકમો માટે હવે વધારાની ચાર્જેબલ એફએસઆઇ ઉપલબ્ધ થશે. શહેરી વિકાસ સત્તામંડળ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એકમો માટે સીજીડીસીઆર-2017 પ્રમાણે આપવામાં આવતી એફએસઆઇ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન-જીઆઇડીસીના એકમો માટે સીજીડીસીઆર-2017 મુજબ અપાતી એફએસઆઇમાં ચાલતી વિસંગતતા દૂર કરવામાં આવી છે. સીજીડીસીઆર-2017 પ્રમાણે અલગ અલગ કેટેગરી અને સત્તામંડળ દીઠ અલગ અલગ ઝોન માટે મળવાપાત્ર એફએસઆઇની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ જેવા સત્તામંડળમાં તેના મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના વિસ્તારોમાં મંજૂર અમલી વિકાસ યોજનાની દરખાસ્ત મુજબ ઔદ્યોગિક ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ હેતુના બાંધકામ માટે મહત્તમ 1.0ની એફએસઆઇની જોગવાઇ કરવામાં આવી હતી પરંતુ ઔદ્યોગિક હેતુ માટે કોઇ ચાર્જેબલ એફએસઆઇની જોગવાઇ કરવામાં આવી નથી. તેથી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જમીનોમાં વિકાસ પરવાનગી માટે સત્તામંડળ સમક્ષ રજૂ થતા લે-આઉટ પ્લાનમાં અત્યાર સુધી 1.0 એફએસઆઇ ધ્યાને લઇને મંજૂરી અપાતી હતી. ઔદ્યોગિક સંગઠનોની રજૂઆતને ધ્યાનમાં લઇને ઔદ્યોગિક નીતિ હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એકમો માટે હવે જીઆઇડીસીમાં મળવાપાત્ર 1.6 એફએસઆઇ મુજબ એફ એસઆઇ મળી શકશે. જો કે તે માટે 30 ટકાના દરે ચાર્જેબલ ઋજઈં અપાશે.રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પ્રવૃતિને વધુ વેગ મળશે એટલું જ નહીં ઉદ્યોગો માટે જગ્યા કે જમીન વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થઇ શકશે. એકમોને વધારાની એફએસઆઇના લાભ મળતા રોજગારીમાં વધારો થઇ શકશે. રાજ્યમાં આગામી સમયમાં નવી ઔદ્યોગિક નીતિની પણ જાહેરાત થવાની છે. ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ ગણાય છે તેવા પ્રકારના ઉદ્યોગો માટે તેમાં ખાસ જોગવાઇ કરવાની ચર્ચા શરૂૂ કરાઇ છે ત્યારે આ નિર્ણય એકમો માટે વધુ ફાયદાકારક થઇ શકે છે.