મોરબીના શનાળા રોડ પર કારખાનેદારોનું ચક્કાજામ
મોરબીમાં વર્ષોથી તુરેલા રોડ રસ્તા સહિતના પ્રશ્નોને મૂંગે મોઢે સહન કરતી પ્રજાની હવે ધીરજ જાણે કે ખૂટી ગઈ હોય તેમ આંદોલનનો મૂડ બનાવી લીધો છે અને ગઈકાલે શનાળા રોડ ચક્કાજામના દ્રશ્યો બાદ આજે ફરીથી શનાળા રોડ આંદોલનનું મેદાન બન્યું હતું આજે લાતીપ્લોટના કારખાનેદારો મેદાને પડ્યા છે.
મોરબીના લાતીપ્લોટમાં અનેક ઘડિયાળ ઉદ્યોગના એકમો કાર્યરત હોવા છતાં વર્ષોથી તંત્ર અહી સારા રોડ રસ્તાની સુવિધા આપી શક્યું નથી ચોમાસામાં સ્થિતિ બદથી બદતર જોવા મળે છે અનેક રજૂઆત કરી થાકી ગયેલા કારખાનેદારોએ હવે તંત્ર સામે મોરચો માંડી દીધો છે આજે લાતીપ્લોટના કારખાનેદારોએ શનાળા રોડ પર રસ્તા રોકો આંદોલન કરતા ફરીથી ટ્રાફિકની અફરાતફરી સર્જાઈ હતી આજે ફરી રસ્તા રોકો આંદોલનને પગલે મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો.
મોરબીવાસીઓ વર્ષોથી રોડ રસ્તા જેવી સમસ્યા સહન કરી રહ્યા છે અને વર્ષોથી મોરબીમાં રાજ કરી રહેલા ભાજપના ધારાસભ્ય કે નગરપાલિકા તંત્રએ ક્યારેય પ્રજાની વેદના સમજી નથી વર્ષોથી દબાવી રાખેલ ગુસ્સો હવે રોડ પર જોવા મળી રહ્યો છે અને નાગરિકોએ ચમત્કાર વિના નમસ્કાર નહિ તે સૂત્ર સમજી લીધું હોય તેમ એક બાદ એક આંદોલન જોવા મળી રહ્યા છે ત્યારે ચક્કાજામ ટ્રેન્ડ માટે જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે.વિવિધ વિસ્તારના રહીશો કે કારખાનેદારો અને વેપારીઓ તંત્રને જગાડવા માટે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે પરંતુ મોરબીમાં આમ પણ ટ્રાફિક સમસ્યા જોવા મળતી હોય છે અને આંદોલનને પગલે અન્ય નાગરીકોને ભારે હાલાકી સહન કરવી પડે છે આંદોલનને કારણે ટ્રાફિકની અફરાતફરી સર્જાતી જોવા મળે છે એક નાગરિકની અધિકારની લડાઈમાં અન્ય નિર્દોષ નાગરિકોને હેરાન થવું પડે છે ત્યારે તંત્ર હવે સમજશે કે પછી ચક્કાજામ ટ્રેન્ડ હજુ પણ સતત જોવા મળશે તેવી ચર્ચા જોવા મળી રહી છે.
ચમત્કારને નમસ્કાર : તંત્ર ઝૂકયું
મોરબીના લાતી પ્લોટના વેપારીઓને ડેપ્યુટી કમિશનરો દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે આવતીકાલે ગુરૂૂવારથી કામ શરૂૂ કરવામાં આવશે. આ ખાતરી વેપારીઓએ સ્વીકારીને શનાળા રોડ ઉપર કરેલો ચક્કાજામ હટાવી દીધો છે. મોરબીના લાતી પ્લોટની હાલત વર્ષોથી બદતર છે. જેના કારણે રોષે ભરાયેલા વેપારીઓએ આજે શનાળા રોડ ઉપર સવારે 11 વાગ્યાથી ચક્કાજામ કર્યો હતો. જેને પગલે મહાપાલિકાના બન્ને ડેપ્યુટી કમિશનરો ત્યાં દોડી આવ્યા હતા. બન્ને અધિકારીઓએ લાતી પ્લોટના ચાલી વેપારીઓને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ આવતીકાલે ગુરૂૂવારથી રસ્તામાં વેટમીક્ષ નાખવા સહિતની કામગીરી શરૂૂ કરવાની ખાતરી આપી હતી. આ ખાતરી વેપારીઓએ સ્વીકારીને શનાળા રોડ ઉપરથી ચક્કાજામ હટાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ ચક્કાજામ અંદાજે પોણા બે કલાક સુધી રહ્યો હતો.