બોઈલર ફાટતા કારખાનેદારનું મોત: ભાગીદાર સહિત ત્રણ દાઝયા
શાપર નજીક એલ્યુમિનિયમ કાસ્ટિંગના પ્લાન્ટમાં ઓઈલ લિકેજથી સળઘી ઉઠતા નાસભાગ
રાજકોટ પંથકમાં આગની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે ત્યારે શાપર નજીક આવેલા એલ્યુમિનિયમ કાસ્ટીંગના પ્લાન્ટમાં ઓઈલ લીકેજ થતાં મશીન સળગી ઉઠયું હતું. બોઈલ ફાટતાં ભભૂકી ઉઠેલી આગમાં કારખાનેદારનું મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે દાજી ગયેલા ભાગીદાર કારીગર અને મૃતકના ભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. કારખાનેદાર યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. કારખાનામાં બોઈલર ફાટતાં ભભુકી ઉઠેલી આગના પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર નજીક વીરવા રોડ પર આવેલ ગોલ્ડ ગેઈટ નં.1માં આવેલ એલ્યુમિનિયમ કાસ્ટીંગના પ્રિસીઝન અલોપ કાસ્ટ નામના કારખાનામાં રાત્રિના દસેક વાગ્યાના અરસામાં બોઈલર ફાટતાં આગ ભભુકી ઉઠી હતી. કારખાનામાં બોઈલર ફાટતાં રાત્રિના સમયે ભભુકી ઉઠેલી આગને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગમાં કારખાનેદાર ભરતભાઈ ધીરૂભાઈ કાકડીયા (ઉ.27) તેના ભાઈ જયેશભાઈ ધીરૂભાઈ કાકડીયા (ઉ.24) અને કારખાનાના પાટનર પીયુષભાઈ ગોરધનભાઈ પીપળીયા (ઉ.35) અને કારીગર પ્રધ્યમ રામકૃપાલ રાજપૂત (ઉ.23) ગંભીર રીતે દાજી ગયેલા ચારેય યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
કારખાનામાં ભભુકી ઉઠેલી આગમાં ગંભીર રીતે દાજેલા કારખાનેદાર ભરતભાઈ કાકડીયાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતાં લોધિકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
આ અંગે પ્રાથમિક પુછપરછમાં ભરતભાઈ કાકડીયા અને પિયુષભાઈ ગોહેલ બન્ને ભાગીદારીમાં કારખાનું ચલાવી એલ્યુમિનિયમ કાસ્ટીંગનું કામ કરતાં હતાં. ગઈકાલે બન્ને ભાગીદાર ભરતભાઈ કાકડીયાના ભાઈ જયેશભાઈ કાકડીયા અને કારીગર પ્રધ્યમ રાજપૂત સહિતના રાત્રિના સમયે કારખાનામાં હાજર હતાં. ત્યારે સાડા દસેક વાગ્યાના અરસામાં અચાનક ઓઈલ લીકેજ થતાં મશીન સળગી ઉઠયું હતું. જેના કારણે બોઈલ ફાટતાં આગ ભભુકી ઉઠી હતી. જેમાં કારખાનાના બન્ને ભાગીદાર સહિત ચાર યુવાનો દાજી ગયા હતાં. જેમાં ગંભીર રીતે દાજી ગયેલા કારખાનેદાર ભરતભાઈ કાકડીયાનું મોત નિપજ્યું હોવાનું અને ગંભીર રીતે દાજી ગયેલા પિયુષભાઈ પીપળીયાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત મૃતક ભરતભાઈ કાકડીયા બે ભાઈ એક બહેનમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કારખાનાના ભાગીદાર પિયુષભાઈ પીપળીયા રાજકોટમાં મોરબી રોડ પર આવેલ અંબીકા સોસાયટીમાં રહે છે અને બે ભાઈ એક બહેનમાં નાના છે અને તેમને સંતાનમાં એક દિકરી છે. જ્યારે ગંભીર રીતે દાજી ગયેલ પ્રધ્યુમન રાજપૂત મુળ ઉતરપ્રદેશનો વતની છે.એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા છે અને બે ભાઈ એક બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.