આનંદનગર કોલોનીમાં પુત્રના વિયોગમાં કારખાનેદારનો આપઘાત
કોઠારીયા રોડ પર આનંદનગર કોલોનીમાં બી-20માં રહેતા અને 80 ફૂટના રોડ પર પટેલનગર શેરી નં. 7મા અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનુ ધરાવતા હસમુખભાઈ કાંતિભાઈ અંબાસણા (ઉ.વ.61)એ આજે સવારે પોતાના કારખાને છતના હૂકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.ભક્તિનગરના તપાસનીશ જમાદાર પી.એન. ગોહીલે જણાવ્યું કે હસમુખભાઈના યુવાન પુત્રનું ચાર-પાંચ વર્ષ પહેલા બિમારી સબબ મૃત્યુ થયું હતું. ત્યારથી સતત ગૂમસૂમ રહેતા હતા. જેને કારણે આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું છે. સંતાનમાં હવે એક પુત્રી છે.
બીજા બનાવમાં કોઠારીયામાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસેના જયનગર મફતિયાપરામાં રહેતા પૂજાબેન ગોકુળભાઈ પરમાર (ઉ.વ.42)એ સવારે ઘરે પતિ જ્યારે બાથરૃમમાં હતા ત્યારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આજી ડેમના તપાસનીશ પીએસઆઈ બી.કે.ગામીતે જણાવ્યું હતું કે તપાસમાં એવું બહાર આવ્યું છે કે પૂજાબેનનો નાભીનો ભાગ અવારનવાર બહાર નીકળી જતો હતો. જેને કારણે તબીબોએ ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. પરંતુ ઓપરેશન કરાવવું ન હોવાથી આ પગલું ભરી લીધાનું તપાસમાં બહાર આવ્યું છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.