For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈન્દ્રનીલના આક્ષેપો ગપગોળો; સી.પી.નો ખુલાસો

06:18 PM Feb 12, 2024 IST | Bhumika
ઈન્દ્રનીલના આક્ષેપો ગપગોળો  સી પી નો ખુલાસો

Advertisement

પૂર્વ ધારાસભ્યએ કરેલા દારૂ-ડ્રગ્સના આક્ષેપો સામે પોલીસ કમિશનરે કામગીરીના આંકડા જાહેર કર્યા

ટ્રાફિક નિયમન માટે બે વર્ષમાં કુલ 7358 વાહનો ડીટેન કરી રૂા.1.30 કરોડનો દંડ વસૂલાયો

Advertisement

એક વર્ષમાં 1738 અરજદારોને ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ સાંભળી પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યું

રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસનાં પ્રદેશ અગ્રણી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રેસ કોન્ફરન્સ યોજી તેમાં દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સ સહિતનાં નશાના કાળા કારોબાર અંગેના ચોંકાવનારા આક્ષેપો કરી પોલીસ પર પણ ગંભીર પ્રકારનાં આક્ષેપો કર્યા હતાં. પ્રેસ કોન્ફરન્સમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજકોટ શહેર પોલીસ પર ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે, શહેરમાં એમ.ડી.ડ્રગ્સ અને ચરસના 21 સ્થળે અને ગાંજાના 25 જેટલા સ્થળો હોવાનો દાવો કર્યો હતો. તેમજ શહેરમાં અમુક પાનના ગલ્લા પર ઈ-સિગારેટ, હુકા અને ચલમ જેવા પ્રતિબંધીત નસીલા પદાર્થો વેચાતા હોવાનું ગંભીર આક્ષેપ કર્યો હતો તેમજ રાજકોટ શહેરનાં કેટલાક પોલીસ અધિકારીઓ બાયોડીઝલના વેપલા સાથે પણ જોડાયેલા હોવાનું કહ્યું હતું. આ ગંભીર આક્ષેપો સામે આજે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડીશ્નલ પોલીસ કમિશ્નર વીધી ચૌધરી, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ અને ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ડીસીપી ટ્રાફીક પૂજા યાદવ ઉપસ્થિત રહ્યા હતાં.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા કરાયેલા પોલીસ પરના ગંભીર આક્ષેપો પાયાવિહોણા અને તથ્યહિન ગણાવતાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટ શહેર સતત વિભીન્ન આર્થિક, સામાજિક અને ધાર્મિક તેમજ રાજનીતિ કાર્યકલાપોથી ધમધમતું મહાનગર છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરની શાંતિ, સલામતી જાળવવા અથાગ પ્રયત્નો કરી રહી છે. તેમજ અનેક વિધ મોટા ધાર્મિક ઉત્સવો જેવા કે જન્માષ્ટમીના મેળાઓ, અષાડી બીજની રથયાત્રા, રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અન્વયેની યાત્રાઓ, નવરાત્રિ, ગણેશ ચતુર્થી અને મોર્હમ જેવી અન્ય ધાર્મિક યાત્રાઓ અને રાજકીય કાર્યક્રમોમાં પોલીસ દ્વારા સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવે છે.

તેમજ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગર્વે શહેરની ટ્રાફીક વ્યવસ્થાને ધ્યાને રાખી જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરમાં સતત થઈ રહેલા વિકાસના કારણે જનસંખ્યામાં પણ વધારો થયો છે અને જેને કારણે વાહનોની સંખ્યા પણ અનેક ગણી વધી છે ત્યારે સરકારે બહાર પાડેલા બજેટમાં રાજકોટ સહિત ચારેય મહાનગરોમાં 1000 જેટલા ટ્રાફીક પોલીસની નવી ભરતી મંજુર કરવામાં આવી છે. તેમજ રાજકોટ શહેરમાં 2023ની સાલમાં કુલ 3923 જેટલા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતાં અને 63.89 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ વર્ષમાં 178 ડમ્પર અને ટ્રક ડીટેઈન કરી રૂા.4 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ ટ્રાફીક પોલીસ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતાં.

તેમજ રાજકોટ શહેરના નાગરિકોને પડતી નાની મોટી સમસ્યાઓને લઈ પોલીસ કમિશ્નર કચેરી ખાતે અરજી લઈને આવે છે ત્યારે તમામ અધિકારીઓ તેમને રૂબરૂ મળી સાંભળે છે. શહેરમાં 2023ની સાલમાં 1738 અરજદારો પોલીસ કમિશ્નર કચેરીએ રૂબરૂ આવી મળ્યા હતાં તેમજ આ અરજદારોની સમસ્યાનું નિવારણ કરવા સ્થાનિક પોલીસને પણ સુચના આપવામાં આવી હતી.

તેમજ પોલીસ કમિશ્નરે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કરેલા એક ફેટલના ગુના સંબંધીત જવાબ આપતાં જણાવ્યું હતું કે, ગઈ તા.23-10નાં રોજ ગાંધીગ્રામ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આ બનાવ નજરે જોનાર 16 વર્ષની સગીરાએ ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ટ્રેકટર ટ્રોલી નંબર સહિતની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવી હતી. હકીકતમાં ફરિયાદીએ બનાવમાં સામેલ ટ્રેઈલરના નંબર ફરિયાદમાં જણાવેલ છે કોઈ ટ્રેકટર પરના નંબરની વિગત ફરિયાદીએ ફરિયાદમાં આપી નહોતી. ફરિયાદીએ જે નંબર ધરાવતાં ટ્રેઈલરની વિગત ફરિયાદમાં જણાવી છે તે નંબરના ટ્રેઈલરની તપાસ પંચનામાના કામે પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તેમજ છેતરપીંડીના આક્ષેપમાં અરજદાર આઈ.ઓ.સી.ના નિવૃત્ત કર્મચારી સાથે મિલકત લેવડ-દેવડ બાબતે 70 લાખ રૂપિયાની છેતરપીંડી થઈ છે. આ બાબતે પોલીસે જે ગુનો નોંધ્યો નથી આ બનાવ મામલે પણ ઈન્દ્રનીલે પોલીસ પર તથ્યહિન આક્ષેપો કર્યા છે. આ બનાવમાં અરજદારે આગોતરી જાણ સાથે વેચાણની મંજુરી બાકી હોય તે મુજબની નવી શરતની જમીન ખરીદી હોય અને અત્યારે રેવન્યુ કોર્ટમાં આ મંજુરી માટે અપીલ પેન્ડીંગ હોય કોઈ ગુનાઈત કૃત્ય ન બન્યું હોય પુરાવા રજુ કરવાની યોગ્ય તક આપી અરજી ફાઈલ કરવામાં આવી છે. આમ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવેલી જાહેર પ્રેસ નોટ તથ્યહિન અને પાયાવિહોણી છે.

દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિમાં સંકળાયેલા અનેક શખ્સોને તડીપાર અને જેલ ભેગા કર્યા
રાજકોટ શહેરમાં 2022ના વર્ષમાં કુલ 2276 ગુના પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા હતાં. જેમાંથી 3031 લોકોને પકડી લેવામાં આવ્યા હતાં. તેમજ વિદેશી દારૂના 783 કેસ કરવામાં આવ્યા હતાં. જેમાં 984 લોકોને પકડી લેવામાં આવ્યા હતાં. તેમજ સાલ 2013માં દેશી દારૂના ગુનામાં 3022 ગુના નોંધવામાં આવ્યા હતાં અને 3046 લોકોને ઝડપી લીધા હતાં. તેમજ વિદેશી દારૂના ગુનામાં 728 ગુના નોંધી 936 લોકોને તડીપાર તેમજ જેલ ભેગા કરી દીધા હતાં. 2022માં ગાંજો, હેરોઈન, પોસડોડા અને મેફેડ્રોનના 26 કેસ કરી 44 લોકોને પકડી 39.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સાલ 2023માં ગાંજા, બ્રાઉનસુગર, મેફેડ્રોન અને નસીલા કપશીરપ વેચતા 56 શખ્સોની ધરપકડ કરી 28 ગુના નોંધી 59.28 ગુના નોંધ્યા હતાં.

ઈ-એફઆઈઆરના ક્ધવર્ઝનના મુદ્દે રાજકોટ શહેર રાજ્યમાં પ્રથમ સ્થાને
વધુમાં પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો પોતાના ઘરે બેઠા બેઠા ફરિયાદ કરી શકે તે માટે ઈ એફઆઈઆર મોડયુલર કાર્યરત કરવામાં આવ્યું છે. તેમાં પણ ઈ એફઆઈઆરના ક્ધવર્ઝન મુદ્દે રાજકોટ શહેર સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવે છે. રાજકોટ શહેર પોલીસે અગાઉ માત્ર રૂા.900 ની સાઈકલ ચોરીની પણ ફરિયાદ લીધી હતી.

અપહરણના ગુનાઓમાં પણ રાજકોટ શહેર પોલીસનું ડિટેકશન

પોલીસ કમિશ્નર દ્વારા મિડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે, 2022ની સાલમાં રાજકોટ શહેરમાં 107 અપહરણના ગુના નોંધાયા હતાં. જે પૈકી પોલીસ તપાસ દરમિયાન 10 છોકરા, 94 છોકરી એમ કુલ 104 બાળકોને પોલીસે શોધી કાઢયા હતાં. તેમજ વર્ષ 2023નાં વર્ષમાં 149 બનાવો અપહરણના બન્યા હતાં. જેમાં 22 છોકરા, 100 છોકરી એમ કુલ 122 બાળકોને રાજકોટ શહેર પોલીસે શોધી કાઢયા હતાં.

સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટની જનતાના ફ્રોડમાં ગયેલા રૂા.5 કરોડની રિકવરી કરી પરત અપાવ્યા

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સમક્ષ રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા રાજકોટ શહેરની જનતા સાથે બનતા ફાયનાન્સીયલ ફ્રોર્ડના બનાવની તુરંત કાર્યવાહી કરી રૂા.5.39 કરોડની તુરત રિકવરી કરી નાગરિકોને પરત અપાવ્યા હતાં. તેમજ ફ્રોર્ડથી જે ખાતામાં નાણા જમા થયા તે ખાતા ધારકો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સાઈબર ફ્રોર્ડ અંગે 89 ગુના નોંધવામાં આવ્યા હતાં. તેમજ 105 આરોપીની ધરપકડ કરી હતી અને આમ જનતાના ખોવાયેલા 575 મોબાઈલ મુળ માલિકને પરત કર્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement