કુવાડવા રોડ પર 25 કરોડના ખર્ચે બનશે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
વોર્ડ નં.4મા ડી-માર્ટની પાછળ પ્રેમ મંદિર સામેનો પ્લોટ ફાઇનલ કરાયો, ટેન્ડર પ્રક્રિયા શરૂ
મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ એક્ટિવીટી વધારાવા માટે અને રમતવિરોને પ્રોત્સાહન આપવા ઇન્ડોરસ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં મવડી ખાતે અદ્યતન સ્પોર્ટ્સ સંકૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ ઇસ્ટઝોનમાં વિકાસના કામોને વેગ આપવા માટે વોર્ડ નં.4માં કુવાડવા રોડ પર રૂા.25 કરોડના ખર્ચે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવા માટે તૈયારી આરંભી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનુ ઇસ્ટઝોન બાંધકામ વિભાગમાંથી જાણવા મેળલ છે.
રાજકોટ શહેરની વર્ષોથી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રેસકોર્ષ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેને સારો પ્રતિસાદ સાંપડ્યા બાદ વેસ્ટઝોન અને ઇસ્ટઝોનના વિસ્તારોમાંથી સ્પોર્ટ્સ એક્ટિવીટી વધારવામાં આવે તેવી માંગ ઉઠી હતી.જેના લીધે ગત વર્ષે વેસ્ટઝોનમાં વોર્ડ નં.11માં મવડી ખાતે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને પ્રારંભિક ધોરણે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રમાનાર તમામ ગેમોનું બુકિંગ ફૂલ થઇ ગયું છે અને હવે ઇસ્ટઝોનના છ વોર્ડને લાગુ થાય તે રીતનુ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના બજેટમાં ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ હોય તાજેતરમાં સામાકાંઠા વિસ્તારમાં મહાનગરપાલિકાના રમત-ગમત હેતુના પ્લોટની તપાસ કરવામાં આવેલ અને ટીપી વિભાગ દ્વારા કુવાડવા રોડ ઉપર ડી-માર્ટની પાછળ આવેલ પ્રેમમંદિરની સામે આવેલ પ્લોટ ઇન્ડર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે પસંદ કરવામાં આવ્યો છે અને બાંધકામ વિભાગ દ્વારા નિયત કરેલ રમતો માટેની જગ્યા અને બાંધકામ મુજબનુ રૂા.25 કરોડનું એસ્ટીમેન્ટ તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સિટી ઇજનેર ઇસ્ટઝોનના જણાવ્યા મુજબ છ વોર્ડમાં વસવાટ કરતા શહેરીજનોને નજીકમાં સ્પોર્ટ્સ એક્વિવીટીનો લાભ મળી શકે તે માટે વોર્ડ નં.4ને પસંદ કરવામાં આવ્યું છે. ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં સતત રમતવિરોને અવર જવર રહેવાની હોય મુખ્યમાર્ગેને લાગુ વિસ્તાર પસંદ કરવામાં આવ્યું છે. ડી-માર્ટની પાછળ પ્રેમમંદિર વાળા રોડ ઉપર રમત-ગમતના હેતુ માટે ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર ફોર્થ ર્ફ્લોરનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જેની ડીઝાઇન અને નકશો આર્કિટેક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. બિલ્ડિંગ ઉપરાંત પાર્કિંગ અને પ્લેએરીયા પણ તૈયાર કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગમાં દરખાસ્તને મંજૂરી આપી તુરંત કામ શરૂ કરવામાં આવશે.
સંચાલન મોટી જવાબદારી
મહાનગરપાલિકા દ્વારા લોકો માટે અનેક જરૂરી પ્રોજેકટ તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ તેનું સંચાલન કરવાની ક્ષમતા તંત્ર પાસે ન હોય મોટાભાગના સંકૂલોનું સંચાલન સંસ્થા અથવા ખાનગી પેઢીને સોંપવામાં આવતુ હોય છે. જેની ફરિયાદો પણ આવે છે. ત્યારે કુવાડવા રોડ પર તૈયાર થનાર ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું સંચાલન ખાનગી પેઢીને સોંપવાના બદલે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તો સંકલન અને વ્યવસ્થા વધુ સારી જળવાય રહેશે તેવી લોક ચર્ચા અત્યારથી સાંભળવા મળી રહી છે.