રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉપલેટા પંથકમાં અંધાધૂંધ વરસાદ, 6 ગામ બેટમાં ફેરવાયા

04:41 PM Jul 22, 2024 IST | admin
Advertisement

લાઠ-ભીમોરામાં 12 ઇંચ વરસાદ, ખેતરો-ઘરોમાં કમરડૂબ પાણી, મોજ-વેણુ અને ભાદરના પાણીએ વેરેલો વિનાશ: જઉછઋની ટુકડી દોડાવાઈ

Advertisement

લાઠ-ભીમોરા-તલંગણા-મજેઠી-ઉજેશ-સતાવરી સહિતના ગામો પાણી પાણી, ફોફળ ડેમ ઓવરફલો, મોજ ડેમના 20 પાટિયા ખોલાયા

સૌરાષ્ટ્રના દરિયા કાંઠે છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. પોરબંદર-દેવભૂમિ દ્વારકા પંથકને ધમરોળ્યા બાદ મેઘરાજાએ મુકામ બદલાવી જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા-ધોરાજી પંથકમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ ઉપલેટા-ધોરાજી પંથકના બે ડેમના પાટીયા ખોલવામાં આવતાં ભાદર, વેણુ અને મોજ નદી ગાંડીતૂર બની છે. જેના કારણે પાણી ઉપલેટા પંથકના છ ગામમાં ઘુસી જતાં છ ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. ગ્રામજનોની મદદ માટે એસડીઆરએફની ટીમ રવાના કરાઈ છે.

ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 12 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા-ધોરાજી પંથકમાં ગઈકાલ રાતથી અંધાધુંધ વરસાદ શરૂ થયો છે. પ્રથમ વરસાદે ઉપલેટા, ધોરાજી પંથકના મોજ ડેમ, વેણુ-2 ડેમ અને ભાદર-2 ડેમ ઓવરફલો થઈ ગયો છે અને તેના ઉપર ભારે વરસાદ પડતાં મોજ નદી, વેણુ નદી અને ભાદર નદી ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ડેમના પાટીયા ખોલવામાં આવતાં પાણી ઉપલેટા પંથકના લાઠ, ભીમોરા, સતાવડી, તલગણા, ઉજેશ અને મજેઠી ગામમાં કેડ સમાના પાણી ઘુસી ગયા હતાં. જેના કારણે ગામ ફરતા પાણી ફરી વળતાં છ ડેમનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને આ તમામ ગામ બેટમાં ફેરવાઈ ગયા છે.

ભારે વરસાદ અને નદીઓમાં આવેલ પૂરને કારણે ખેતરો પણ ધોવાઈ ગયા છે અને આ તમામ ગામમાં ઘરમાં પાણી ઘુસી ગયાની જાણ થતાં ગ્રામજનોની મદદ માટે ઉપલેટા મામલતદાર અને એસડીઆરએફની ટીમ મદદે પહોંચી છે. જો કે હજુ સુધી કોઈ વ્યક્તિ તણાયા કે ડૂબી ગયા હોવાની કોઈ માહિતી મળી નથી.

રાજકોટ જિલ્લામાં ગત તા. 21 જુલાઈના રોજ સવારે છ કલાકથી બીજા દિવસ સવારે છ કલાક સુધી જિલ્લામાં કુલ 91 મી.મી. નવા નીરની આવક થઈ છે. તાલુકા મુજબ વિગત જોઈએ તો રાજકોટ શહેરમાં 2 મી.મી., પડધરી તાલુકામાં 11 મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં 2 મી.મી., જામકંડોરણા તાલુકામાં 2 મી.મી., ઉપલેટા તાલુકામાં 40 મી.મી., ધોરાજી તાલુકામાં 33 મી.મી. અને જેતપુર તાલુકામાં 1 મી.મી. વરસાદ નોંધાયો હતો. તેમજ લોધીકા, જસદણ, ગોંડલ અને વીંછિયા તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી.

આ ઉપરાંત, અત્યાર સુધીમાં પડેલા કુલ વરસાદની તાલુકા પ્રમાણે વિગત જોઈએ તો રાજકોટ શહેરમાં 237 મી.મી., પડધરી તાલુકામાં 153 મી.મી., લોધીકા તાલુકામાં 387 મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં 262 મી.મી., જસદણ તાલુકામાં 122 મી.મી., ગોંડલ તાલુકામાં 347 મી.મી., જામકંડોરણા તાલુકામાં 398 મી.મી., ઉપલેટા તાલુકામાં 523 મી.મી., ધોરાજી તાલુકામાં 605 મી.મી. અને જેતપુર તાલુકામાં 414 મી.મી. તથા વીંછિયા તાલુકામાં 193 મી.મી. મળીને કુલ 3632 મી.મી. વરસાદ નોંધાયો છે, તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા પાસે આવેલો સોડવદર ડેમ 80 ટકા ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોડવદર ડેમ 80 ટકાઈ ભરાઈ ગયો હોવાથી આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા/ ઓવર ફ્લો થતાં પાણી છોડવામાં આવે ત્યારે, નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં. આ સાથે રાજકોટના ધોરાજીના ઝાંઝમેર તથા સુપેડીના ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. આ ડેમની હાલની સ્થિતિ ફુલ રિઝર્વિયર લેવલ 76.7 મીટર છે. જ્યારે લેવલ 76.1 મીટર છે. કુલ જથ્થો 3.92 ઘનમીટર, ઈનફ્લો 790.68 ક્યુસેક છે, તેમ નાયબ કાર્યપાલક ઈજનેર-ક્વોલિટી કંટ્રોલ, સબ ડિવિઝન નંબર-1,માંથી માહિતી મળી છે.

રાજકોટ જિલ્લાના ત્રણ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ મોજ ડેમના 20 પાટીયા 5 ફુટ ખોલવામાં આવ્યા છે જેના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ન્યારી-2 ડેમમાં 0.23 ફૂટ અને ફાડદંગ બેટી ડેમમાં 3.12 ફૂટ નવા નીર આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે મોજ ડેમ 94.12 ટકા, ફોફળ ડેમ 100 ટકા, ન્યારી-2 ડેમ 85.09 ટકા અને ફાળદંગબેટી ડેમ 6.03 ટકા ભરાયો છે. હાલ વેણુ-2 ડેમના ત્રણ દરવાજા 0.3 મીટર, ફોફળ 0.5 મીટર ઓવર ફ્લો, આજી 2 ડેમનો એક દરવાજો 0.075 મીટર તથા ભાદર-2 ડેમનો બે દરવાજા 0.22 મીટર ખુલ્લા છે.

ઉપલેટા, ધોરાજી, ગોંડલ પંથકના 6 રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા : વાહન વ્યવહાર ખોરવાયો

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના છ જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતાં (ઓવર ટોપિંગ) આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ થતાં વૈકલ્પિક માર્ગો શરૂૂ કરવામાં આવ્યા છે.

આર. એન્ડ બી. પંચાયતની યાદીમાં જણાવાયા પ્રમાણે, (1) રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ-વોરાકોટડા માર્ગ પર પાણી આવી જતાં રસ્તો બંધ થયો છે. જેથી ગોંડલ બાંદ્રા વોરકોટડા વૈકલ્પિક રસ્તો શરૂૂ કરાયો છે. પાણી ઉતર્યા બાદ આ રોડનો ટ્રાફિક પુન: શરૂૂ કરવામાં આવશે. (2) ઉપલેટા તાલુકાનો મેરવદર-વડાળા રોડ ચેકડેમ કમ કોઝવે ઓવરફ્લો થતા બંધ થયો છે. જેનાથી મેરવદર ગામ સાથેના પરિવહન માટે ગણોદ તણસવા મેરવદર રોડ શરૂૂ કરાયો છે. (3) ઉપલેટા તાલુકાનો મોજીરા-ભાંખ ક્લરીયા રોડ માઈનોર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પરથી પાણી પસાર થતાં બંધ થયો છે. પરંતુ તાલુકા મથક પર જવામાં આ બંધ રસ્તો નડતો નથી. (4) ઉપલેટા તાલુકાનો પાનેલી-સાતવડી રોડ (5) ધોરાજી તાલુકાનો છત્રાસા-વંથલી રોડ (6) ધોરાજી તાલુકાનો મોટી મારડ-ચિખલીયા રોડ અતિભારે વરસાદના લીધે બંધ થયેલ છે. આ માર્ગો સામે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી પાણી ઉતર્યા બાદ ઉપરોક્ત તમામ રોડ ટ્રાફિક માટે શરૂૂ કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsheavyrainMonsoonrainUpletaupletanews
Advertisement
Next Article
Advertisement