ઇન્ડિગોની વારાણસી-અમદાવાદ ફ્લાઈટ રાજકોટ ડાઇવર્ટ કરાઈ; મુસાફરોને સુવિધા નહીં મળતા રોષ
હીરાસર એરપોર્ટ ઉપર સ્ટાફનો અભાવ અને જરૂરી કોઇ સુવિધા ન મળતા મુસાફરોમાં ભારે દેકારો
રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વારાણસી-અમદાવાદ ઈન્ડીગોની ફ્લાઈટને ભીડને કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી. પરંતુ અચાનક રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચેલા વારાણસી-અમદાવાદ ફ્લાઈટના મુસાફરોને રાજકોટ એરપોર્ટ પર કડવો અનુભવ થયો હતો.હીરાસર એરપોર્ટ ઉપર કોઇ સુવિધા ન મળતા મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિકના કારણે વારાણસી થી અમદાવાદની જતી ઈન્ડીગોની ફ્લાઈટ રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થયેલી આ ફ્લાઈટના પાયલોટની ડ્યુટી પૂરી થઈ જતા અમદાવાદથી નવી ક્રૂ ટીમ ફેરી ફ્લાઇટ દ્વારા રાજકોટ એરપોર્ટ આવી પહોંચી હતી. જેને અંદાજિત પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો.
વારાણસી-અમદાવાદ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને રાજકોટ એરપોર્ટ પર કડવો અનુભવ થયો હતો.રાજકોટ હીરાસર એરપોર્ટ ઉપર સામાન્ય સુવિધાઓ પણ ન મળતા આ મુસાફરો રોષે ભરાયા હતા. વારાણસી-અમદાવાદ ફ્લાઈટના મુસાફરો જયારે રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા હતા મુસાફરો ટર્મિનલ પર ઉતર્યા ત્યારે તેઓએ ફરિયાદ કરતા જણાવ્યુ હતું કે, ટર્મિનલ પર એરપોર્ટ ઓથોરિટીનો સ્ટાફ ન હતો, તેમજ કોઈ આપાતકાલીન પરિસ્થિતી માટે ફૂલ ટાઇમ ડોક્ટર ઉપલબ્ધ નથી, એરિયો બ્રિજ ઓપરેટર ઉપલબ્ધ નથી, અરાઇવલ ટર્મિનલની અંદર વોશરૂૂમ ખૂબ ગંદા હતા અને કોઈ સફાઈનો સ્ટાફ પણ ઉપલબ્ધ નથી, વાઈ-ફાઈની કનેક્ટિવી નથી આવતી કે ટર્મિનલમાં મોબાઇલ નેટવર્કના પણ ફાફા પડી રહ્યા છે. વારાણસી-અમદાવાદ ફ્લાઈટના મુસાફરોમાં રાજકોટ એરપોર્ટની સુવિધાને લઇ ભારે નારાજગી જોવા મળી હતી.
