For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇન્ડિગોએ સર્જી અધોગતિ, અનેક મુસાફરો અધવચ્ચે રઝળ્યા

04:48 PM Dec 05, 2025 IST | Bhumika
ઇન્ડિગોએ સર્જી અધોગતિ  અનેક મુસાફરો અધવચ્ચે રઝળ્યા

રાજકોટ-અમદાવાદ સહિત ગુજરાતની અન્ય શહેરો સાથેની વિમાની સેવા સતત ત્રીજા દિવસે ખોરવાઇ જતા હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ ઉપર ફસાયા

Advertisement

અમુક વિદેશની કનેક્ટિંગ ફલાઇટ ચૂકયા, અમુક લગ્ન પ્રસંગોમાં પહોંચી શકયા નહીં, બિઝનેસમેનોના શેડ્યૂલ વેરવિખેર

કલાકો સુધી ફલાઇટ ડિલેના મેસેજ આપ્યા બાદ રદ કરી દેવાતા મુસાફરો એરપોર્ટમાં જ ગોંધાઇ રહ્યા જેવી સ્થિતિ, ઇન્ડિગોનું બેજવાબદાર મેનેજમેન્ટ સાચી માહિતી પણ આપતુ નથી

Advertisement

બોર્ડિંગ પાસ આપ્યા બાદ પણ મુસાફરો માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવાના બદલે અચાનક જણાવી દેવાયુ કે તમને ટિકિટનું રિફન્ડ મળી જશે, બીજી વ્યવસ્થા કરી લ્યો

દેશની સૌથી મોટી પ્રાઇવેટ એરલાઇન ઇન્ડિગોની આજે સતત ચોથા દિવસે ગુજરાત સહિત દેશભરની મોટાભાગની ફલાઇટો રદ થવાના કારણે હજારો મુસાફરો રઝળી પડયા છે અને ભારે હેરાનગતિનો સામનો કરી રહયા છે. ઇન્ડિગો એરલાઇનમા અચાનક જ સર્જાયેલી અધોગતિના કારણે વિમાની સેવામા અનેક એરપોર્ટ ઉપર ભારે અંધાધુંધી જેવી સ્થિતિ પ્રવર્તિ રહી છે. છેલ્લા 3-3 દિવસથી ગુજરાતના અનેક મુસાફરો વિવિધ એરપોર્ટ ઉપર ગોંધી રાખવામાં આવ્યા હોય તેવી સ્થિતિમા મુકાઇ ગયા છે. તો બીજીતરફ લગ્ન સહિત વિવિધ પ્રસંગો કે બિઝનેસ માટે ઇન્ડિગોની ટિકિટો ખરીદનાર હજારો મુસાફરો સમયસર પ્રસંગો કે મિટીંગોમા પહોંચી નહીં શકતા ભારે કફોડી સ્થિતિ ભોગવી રહયા છે.

આજ રીતે ઇન્ડિગોના પાપે વિદેશની કનેકટીંગ ફલાઇટો ચુકી જવાથી અસંખ્ય મુસાફરોને આર્થિક નુકસાની સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. છેલ્લા 4 દિવસથી દેશની સૌથી મોટી એરલાઇનમા અંધાધુંધી જેવી સ્થિતિ પ્રવર્તિ રહી છે. આમ છતા કેન્દ્રનું ઉડ્ડયન મંત્રાલય તમાશો નિહાળી રહી હોય તેવો તાલ સર્જાયો છે. મુસાફરોની ફરીયાદોનો ડી.જી.સી.એ કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય કોઇ જવાબ આપી રહયુ નથી. ઇન્ડિગોનુ મેનેજમેન્ટ પણ મુસાફરોને રીતસર બહાના બતાવી રહયુ છે. જેના કારણે દેશભરના અનેક એરપોર્ટ ઉપર ભારે ધાંધલ ધમાલ જેવા દ્રશ્યો જોવા મળી રહયા છે.

ગુજરાતથી દેશના વિવિધ શહેરોમા આવાગમન કરતી ઇન્ડિગોની આજે અને આવતીકાલની મોટાભાગની ફલાઇટો રદ કરી નાખવામા આવતા હજારો મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા છે. કેટલાક મુસાફરો તો છેલ્લા બે દિવસથી ગુજરાત આવવાની ટિકિટ લઇને દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, ચેન્નઇ સહિતના દેશના વિવિધ એરપોર્ટ ઉપર ફલાઇટ ઉપડવાની રાહ જોઇને બેઠા છે. પરંતુ હજુ સુધી તેમની યાતનાઓનો અંત આવ્યો નથી.

આજ રીતે ગુજરાતથી અન્ય શહેરોમા જવા માટે ઇન્ડિગોનુ બુકિંગ કરાવનાર હજારો મુસાફરો રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત સહિતના શહેરોના એરપોર્ટ ઉપર ફસાયા છે. અનેક મુસાફરો એરપોર્ટ પહોંચી ગયા બાદ આજે અને આવતીકાલની ઇન્ડિગોની તમામ ફલાઇટો રદ કરવાની જાહેરાતો રદ કરવામા આવતા મુસાફરો પોતાના નિયત ડેસ્ટીનેશન ઉપર પહોંચી શકયા નથી અને અન્ય વ્યવસ્થા કરવા દોડધામ કરી રહયા છે. અનેક એવા પણ મુસાફરો અને વિદ્યાર્થીઓ છે જેની રાજકોટ, અમદાવાદ, સુરત કે બરોડાથી મુંબઇ, દિલ્હી, બેંગ્લોર જેવા મોટા શહેરોમાથી વિદેશની કનેકટીંગ ફલાઇટો બુક કરેલી હતી. પરંતુ ગુજરાતમા આવતી જતી ઇન્ડિગોની મોટાભાગની ફલાઇટો રદ કરવામા આવતા વિદેશ જવા માંગતા મુસાફરો અને વિદ્યાર્થીઓને મોટો આર્થિક ફટકો પડવા સાથે ભારે કફોડી સ્થિતિમા મુકાઇ ગયા છે. આજ રીતે વિદેશથી આવેલા અનેક મુસાફરો દેશના વિવિધ એરપોર્ટમા પહોંચી ગયા બાદ ગુજરાતના શહેરોની ટિકિટો બુક કરાવીને બેઠા છે. પરંતુ તેમના માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામા નહીં આવતા અને ફલાઇટો રદ કરી નાખવામા આવતા વિદેશથી આવી પોતાના ઘર સુધી પહોંચવા અનેક મુસાફરો ભારે દોડધામ કરી રહયા છે.

મુસાફરોના કહેવા મુજબ એરપોર્ટમા ગયા બાદ ઇન્ડિગો એરલાઇન દ્વારા ફલાઇટ મોડી હોવાના મેસેજ આપવામા આવે છે. 4 થી 5 વખત આવા મેસેજો આપી કલાકો સુધી એરપોર્ટમા બેસાડી રાખવામા આવ્યા બાદ અડધી રાત્રે ફલાઇટ રદ થયાનું જણાવી દેવામા આવે છે. જેના કારણે આખો દિવસ ફલાઇટ ઉપડવાની રાહમા એરપોર્ટમા બેસી રહેલા મુસાફરોને હોટલ કે અન્ય વાહન વ્યવસ્થા કરવામા ભારે હાડમારીનો સામનો કરવો પડી રહયો છે.

રાજકોટની જ વાત લઇએ તો ઇન્ડિગોની ગઇકાલે ગુરૂવારે 7.15 વાગ્યાની ફલાઇટ હજુ આજે સાંજ સુધી રાજકોટ પહોંચી નથી. આ ફલાઇટના મુસાફરોને ગઇકાલે બપોરે 3 વાગ્યા સુધી ફલાઇટ સમયસર હોવાનું વેબસાઇટમા દર્શાવાતુ હતુ. મુસાફરો એરપોર્ટ પહોંચ્યા બાદ 7.15 વાગ્યે ઉપડતી ફલાઇટનો સમય 8 વાગ્યાનો થયાનુ જણાવાયુ હતુ. ત્યારબાદ ફલાઇટ લેઇટ હોવાનો મેસેજ આપી રાત્રે 10 વાગ્યે, ત્યારબાદ રાત્રે 10.40 કલાકે અને છેલ્લે રાત્રે 11.45 કલાકે ફલાઇટ ઉપડશે તેવુ જણાવાયુ હતુ. પરંતુ રાત્રે 11.45 વાગ્યા બાદ અચાનક એરપોર્ટની સ્ક્રીન પરથી રાજકોટની ફલાઇટનુ શેડયુલ ગાયબ થઇ જતા મુસાફરોએ ઇન્ડિગોના સ્ટાફને પુછપરછ કરતા ફલાઇટ રદ થઇ ગયાનુ જણાવી અન્ય વ્યવસ્થા કરી લેવાનુ જણાવી દેવામા આવ્યુ હતુ. રાત્રે 12 વાગ્યા બાદ હોટલ તથા અન્ય વાહન વ્યવસ્થા કરવામા મુસાફરોને સવાર સુધી હેરાનગતી વેઠવી પડી હતી.

સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે આ ફલાઇટના મુસાફરોને એસએમએસ દ્વારા પણ ફલાઇટ રદ થયાનુ જણાવાયુ ન હતુ અને ગુરૂવાર રાત્રે 11.45 વાગ્યા સુધી રાહ જોયા બાદ ફલાઇટ નહી આવતા મુસાફરોએ ઇન્ડિગોના કાઉનટર પર પુછપરછ કરી ત્યારે ફલાઇટ રદ થયાનો મૌખીક જવાબ આપી દેવામા આવ્યો હતો.

આ અંધાધુંધી વચ્ચે દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના મેનેજમેન્ટનું માનવતા વિહોણુ વલણ પણ સામે આવ્યુ હતુ. કલાકોથી એરપોર્ટમાં ફલાઇટ ઉપડવાની રાહ જોઇને ગોંધાયેલા મુસાફરો માટે રહેવા-જમવાનું તો ઠીક નાસ્તા-પાણીની પણ કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા માત્ર ગોળગોળ જવાબો આપી મુસાફરોની રજુઆતોને ટાળવામાં આવતી હોવાની વ્યાપક પ્રમાણમાં ફરીયાદો ઉઠી છે.

ઇન્ડિગોએ સંપૂર્ણ સ્થિર કામગીરી માટે 10 ફેબ્રુઆરી સુધી સમય માંગ્યો
ઇન્ડિગોએ સ્વીકાર્યું છે કે તેની ચાલુ ફ્લાઇટ રદ અને વિક્ષેપ ભારતના સુધારેલા ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા (FDTL) નિયમોના બીજા તબક્કાને અમલમાં મૂકવામાં ગેરસમજ અને આયોજનના વિલંબને કારણે થયો હતો. એરલાઇને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને જણાવ્યું છે કે તેને કામગીરીને સંપૂર્ણપણે સ્થિર કરવા માટે 10 ફેબ્રુઆરી, 2026 સુધીનો સમય જોઈએ છે. નવેમ્બરના અંતથી દરરોજ 200 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેનું મુખ્ય કારણ નવા નિયમો, ધોરણો, હવામાન અને સમયપત્રકમાં અવરોધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને DGCA અધિકારીઓએ ગુરુવારે પરિસ્થિતિની સમીક્ષા કરી, ઇન્ડિગોને ઝડપથી કામગીરી સામાન્ય કરવા અને વિક્ષેપ દરમિયાન ભાડામાં વધારો ન થાય તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.

સરકારની ‘મેચ ફિક્સિગં’ નીતિના કારણે ઇન્ડિગો નિષ્ફળ: રાહુલ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઈન્ડિગો સંચાલનનાં સંકટ પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવતા કહ્યું કે, પઇન્ડિગોની નિષ્ફળતા સરકારની મેચ ફિક્સિંગનું પરિણામ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પડથ પર પોસ્ટ કરીને લખ્યું, ઈન્ડિગોની નિષ્ફળતા આ સરકારની મેચ ફિક્સિંગ નીતિનું પરિણામ છે. ફરી એકવાર સામાન્ય ભારતીયોને વિલંબ, ફ્લાઇટ રદ અને લાચારીના રૂૂપમાં કિંમત ચૂકવવી પડી છે. ઈન્ડિગો દેશના એરલાઈન્સ માર્કેટમાં 60% જેવો ઊંચો હિસ્સો ધરાવે છે. આમ, તે દેશની અગ્રણી એરલાઈન્સ કંપની છે, જે હાલમાં ઓછા સ્ટાફની મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ કારણસર ઈન્ડિગોની છેલ્લા ચાર દિવસમાં 1300થી વધુ ફ્લાઈટ રદ થઈ છે અને મોડી પડી છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અને ડી.જી.સી.એ.નું ગુનાહિત મૌન
દેશભરમાં સતત 4 દિવસથી ઇન્ડિગોની ફલાઇટો રદ થઇ રહી છે અને દેશભરમાં હજારો મુસાફરો હેરાન-પરેશાન થઇ રહયા છે. બીજી તરફ અન્ય એરલાઇન કંપનીઓ મુસાફરોને આડેધડ લુંટી રહી છે. આમ છતા કેન્દ્ર સરકારનું ઉડ્ડયન મંત્રાલય અને ડી.જી.સી.એ. ગુનાહિત મૌન ધારણ કરીને બેસી રહયુ છે. છેલ્લા 4 દિવસમા ડી.જી.સી.એ. દ્વારા ઇન્ડિગોના સંચાલકોને માત્ર વોર્નિંગ આપવા સિવાય મુસાફરોને સંતોષ થાય તેવા કોઇ પગલા ભર્યા નથી કે કોઇ જાહેરાત પણ કરી નથી. હાલની કટોકટીભરી સ્થિતિનો લાભ લઇને અન્ય એરલાઇન કંપનીઓએ મુસાફરી ભાડામા અનેકગણો વધારો કરી ઉઘાડી લુંટ શરૂ કરી છે. આ બાબતે પણ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય કે ડી.જી.સી.એ. દ્વારા પણ કોઇ પગલા ભરવામા આવી રહયા નથી અને સરકાર માત્ર મૌન બનીને તમાસો જોઇ રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મુસાફરોની લાચારીનો લાભ એરલાઇન કંપનીઓ ઉઠાવી રહી છે. છતા દેશના સાંસદો અને નેતાઓ પણ ચુપ બેસીને તમાશો નિહાળી રહયા છે. તે પણ અત્યંત આશ્ર્ચર્યજનક અને આઘાતજનક બાબત છે.

અન્ય એરલાઇન કંપનીઓ દ્વારા ઉઘાડી લૂંટ
ગુજરાત સહિત દેશભરમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે તેવા સમયે દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની સતત 4 દિવસથી ફલાઇટો રદ થવાના કારણે હજારો મુસાફરો ભારે યાતના વેઠી રહયા છે. તેવા સમયે મુસાફરોનો ધસારો જોઇને દેશની અન્ય એરલાઇન કંપનીઓએ માનવતા દાખવવાના બદલે ઉઘાડી લુંટ શરૂ કરી દીધી છે અને વિમાની ભાડામાં 5-5 ગણો વધારો ઝીંકી દીધો છે. જેના કારણે મુસાફરો વિના વાંકે લુંટાઇ રહયા છે. અમદાવાદથી અન્ય શહેરોની જે ફલાઇટના રેગ્યુલર ટીકીટ દર રૂ. 4000 છે તેના હાલ રૂ. 20 થી 22 હજાર તોડવામાં આવી રહયા છે. ખાસ કરીને ગુજરાતથી મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, હૈદ્રાબાદ જેવા શહેરો સાથે વધુ આવન-જાવન રહેતી હોય આ શહેરોમાં આવવા જવા માટેના મુસાફરી ભાડામાં 4 થી પ ગણો વધારો ઝીંકી અન્ય એરલાઇન કંપનીઓ દ્વારા રીતસર લુંટ શરૂ કરવામાં આવી છે.

એરપોર્ટ જવા નીકળી તે પહેલા ફ્લાઈટ રદ થયાનો મેસેજ આવ્યો
બિઝનેસ ટ્રીપ અટકી પડી: હિરેન પીપળિયા
પ્લાસ્ટિક તેમજ હાર્ડવેર બિઝનેસ સાથે સંકળાયેલા હિરેનભાઈ પીપળીયા જણાવે છે કે મારે દર મહિને ચેન્નાઇ અને હૈદરાબાદ જવાનું હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ઈન્ડિગો એરલાઇન્સ માં ત્યાં પહોંચવું અમારા માટે મુશ્કેલ બન્યું છે.ના છૂટકે અમારે ટિકિટ રદ કરવી પડે છે. હજુ અમે એરપોર્ટ પર નીકળવાની તૈયારીમાં હતા ત્યાં જ મેસેજ આવ્યો કે હૈદરાબાદની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી શક્ષમશલજ્ઞ એરલાઇન્સ માં અનેક પ્રશ્નો તો સર્જાતા હોય છે પરંતુ આટલી મોટી સંખ્યામાં ફ્લાઈટ રદ કરવા આવી રહી છે તે ચોકાવનારી બાબત છે. અત્યારે તો ઈન્ડિગો એરલાઇન્સ એસટી બસ જેવી થઈ ગઈ છે. પેસેન્જર નું પૂરતું ધ્યાન રાખવામાં નથી આવતું. ફ્લાઈટ મોડી થાય તો ચા પાણી નાસ્તો ની સુવિધા પણ આપવામાં આવતી નથી તે બધું નિયમોની વિરુદ્ધમાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement