ઇન્ડિયન ઇન્સ્ટિ. ઓફ મેનેજમેન્ટની વિદેશી ઉડાન, દુબઇમાં પ્રથમ કેમ્પસ શરૂ
અમદાવાદ IIMની મોટી સિધ્ધિ, ક્રાઉન પ્રિન્સના હસ્તે ઉદ્ઘાટન
દુબઈમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના નવા આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે દુબઈ ઈન્ટરનેશનલ એકેડેમિક સિટી (DIAC) ખાતે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A) ના પ્રથમ વિદેશી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.
બીજી પહેલમાં, ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને IIT દિલ્હી અબુ ધાબી ખાતે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર (AIC)નું ઉદ્ઘાટન કર્યું, જે ભારતીય સંસ્થા દ્વારા આયોજિત પ્રથમ વિદેશી AIC છે.
આ ઐતિહાસિક પ્રસંગે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે હાજરી આપી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ ભારત અને UAE વચ્ચે શિક્ષણ સહયોગનો એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAE ના રાષ્ટ્રપતિ વચ્ચેના અગાઉના કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના પછી IIT અબુ ધાબીની સ્થાપના કરવામાં આવી હતી. IIM અમદાવાદના દુબઈ કેમ્પસને ભારતની શિક્ષણ પ્રણાલીના વૈશ્વિકરણ તરફ એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ કેમ્પસ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ઉત્તમ તકો પૂરી પાડશે. UAEના શિક્ષણ મંત્રી અબ્દુલ રહેમાન અલ અવાર પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.
ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ મણિપાલ યુનિવર્સિટી, સિમ્બાયોસિસ યુનિવર્સિટી, BITS પિલાની અને એમિટી યુનિવર્સિટી જેવી ભારતીય સંસ્થાઓના અધિકારીઓ સાથે ગોળમેજી ચર્ચા પણ કરી હતી, જેમણે દુબઈમાં પોતાના કેમ્પસ સ્થાપ્યા છે અને સંશોધનને પેપર્સથી ઉત્પાદનો તરફ ખસેડવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો.