અમદાવાદના વિનોદ ગ્રૂપ ઉપર ઇન્કમટેકસની તવાઇ
ટેકસટાઇલ ગ્રૂપના ડિરેક્ટરોની ઓફિસ-નિવાસ સ્થાનો સહિત 35 સ્થળે વહેલી સવારથી સર્ચ ઓપરેશન
ગુજરાતભરમાંથી 250 જેટલા અધિકારીઓનો કાફલો જોડાયો, રિયલ એસ્ટેટમાં રોકાણ અંગે તપાસ
ગુજરાતમાં ફરી એક વખત ઇન્કટેકસ વિભાગ સક્રિય બન્યુ છે અને આજે વહેલી સવારથી અમદાવાદના ટેકસટાઇલ ગૃપના 35થી વધુ સ્થળે તપાસ શરૂ કરતા ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના ટેકસટાઇલ માર્કેટમાં આવેલ વિનોદ મેન્યુફેકચરીંગ ગૃપના 35થી વધુ સ્થળો પર ઇન્કમટેકસ વિભાગના 250થી વધુ અધિકારીઓ ત્રાટકયા છે. વિનોદ ગૃપના વિનોદ મિતલ, ધવલ મિતલ સહિતના ડિરેક્ટરોના નિવાસ સ્થાનો અને એસ.જી.હાઇવે તથા પીપલજ ખાતે આવેલી ઓફિસોમાં વહેલી સવારથી ઇન્વેસ્ટિગેશન વિંગના નેજા હેઠળ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ તપાસ માટે ઇન્કમટેકસના રાજકોટ સહિત અન્ય શહેરોમાંથી પણ અધિકારીઓ આ તપાસમાં જોડવામાં આવ્યા છે અને તપાસનો દાયરો અન્ય લોકો સુધી લંબાવાની પણ શક્યતા દર્શાવાઇ રહી છે.
આ ગૃપના કાપડ ઉદ્યોગ ઉપરાંત રીયલ એસ્ટેટમાં રોકાણો અંગે તપાસ ચાલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં મોટુ ડિસ્કલોઝર થવાની તેમજ કરચોરી પકડાયાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વિનોદ ગ્રુપના મુખ્ય ડિરેકટરો વિનોદ મિતલ અને ધવલ મિતલના નિવાસસ્થાન અને ઓફિસો સહિત એસ.જી. હાઇવે અને પીપલજ વિસ્તારમાં આવેલી મિલકતો પર આ દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી શરૂૂ થયેલી આ સઘન તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવવાની આશંકા સેવાઈ રહી છે.
આ મેગા ઓપરેશનમાં માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજકોટ સહિત રાજ્યભરના ઈન્વેસ્ટિગેશન વિંગના આશરે 250 જેટલા ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે. પોલીસ બંદોબસ્ત સાથે કુલ 35 પ્રિમાયસીસ પર એકસાથે તપાસ શરૂૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડાની કામગીરી અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી આગામી ત્રણથી ચાર દિવસ સુધી ચાલે તેવી પ્રબળ સંભાવના છે. દિવાળી પહેલાં જ ટેક્સટાઈલ ગ્રુપ પર મોટી કાર્યવાહી થતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.