રાજકોટ અને મોરબીમાં આવકવેરાનું બીજા દિવસે સર્ચ
લેવીસ અને મેટ્રો ગ્રુપને ત્યાં તપાસમાં પ્રથમ દિવસે જ 2.50 કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ કરાયા
રાજકોટ આવકવેરા વિભાગે મોરબી અને રાજકોટમાં સિરામીક તેમજ બિલ્ડર અને કોટનના વેપારીને ત્યાં હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં 45 સ્થળોએ ઈન્કમટેક્ષ વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી. આ સર્ચ ઓપરેશન આજે સતત બીજા દિવસે શરૂ રહ્યું છે. દરોડાના પ્રથમ દિવસે જ ઈન્કમટેક્ષ વિભાગને અઢી કરોડની રોકડ હાથ લાગી છે. આ દરોડામાં રાજકીય હસ્તક્ષેપ થયાની ચર્ચાએ જોર પકડયું છે.
મોરબીના મેટ્રો અને લેવીસ ગ્રુપના ડાયરેકટરો તથા તેના ભાગીદારો અને તેની સાથે આર્થિક વ્યવહારો કરનાર બિલ્ડરો અને કપાસના વેપારીને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડયા હતાં. 30 જેટલા નિવાસસ્થાનો તથા ઓફિસ અને ફેકટરી સહિત કુલ 45 સ્થળોએ ઈન્કમટેક્ષ વિભાગે સર્ચ ઓપરેશન કર્યુ હતું. પ્રથમ દિવસે જ ઈન્કમટેક્ષ વિભાગને જેકપોટ હાથ લાગ્યો હતો અને અઢી કરોડની રોકડ તેમજ કેટલાક બેનામી વ્યવહારોના દસ્તાવેજ પુરાવા અને શંકાસ્પદ વ્યવહારો મળ્યા હતાં. ઈન્કમટેક્ષ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે બીજા દિવસે પણ ઓપરેશન ચાલુ છે અને હજુ પણ મોટા બેનામી વ્યવહારો મળે તેવી શકયતા છે. ઉપરાંત ઈન્કમટેક્ષ વિભાગે ડીજીટલ ડેટા પણ કબજે કર્યા છે.
સતત બીજા દિવસે ઈન્કમટેક્ષ વિભાગનાં સર્ચ ઓપરેશનમાં અમદાવાદ, સુરત અને વડોદરાના અધિકારીઓ પણ રાજકોટની ટીમ સાથે જોડાયા છે તેમજ ઈન્કમટેક્ષ વિભાગનાં વિંગના ટોચના અધિકારીઓ પણ આ તપાસમાં લાગી જતાં મોટી કરચોરી બહાર આવે તેવી શકયતા છે. હજુ શુક્રવાર સુધી આ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે તેમ આવકવેરા વિભાગના સુત્રો જણાવી રહ્યાં છે. ટાઈલ્સ ઉદ્યોગ સાથે જોડાયેલા લેવીસ અને મેટ્રો ગ્રુપનાં કેટલાક આર્થિક વ્યવહારોમાં શંકાસ્પદ એન્ટ્રી અને નફાની રકમ છુપાવવામાં આવી હોવાની માહિતીના આધારે ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડયા હતાં અને આ ગ્રુપ સાથે જોડાયેલા બે બિલ્ડરો અને કોટનના વેપારી પણ ઝપટે ચડયા હતાં.