ગુજરાતના નામાંકીત એરેટ બિલ્ડર ગ્રુપને ત્યાં ઈન્કમટેક્ષના દરોડા
દિવાળીના તહેવારો પુરા થતાની સાથે જ ગુજરાત આવક વેરા વિભાગ સક્રિય બન્યું છે. આ વખતે દિવાળી બાદ નવા વર્ષની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતથી કરવામાં આવી છે. ગુજરાતના જાણીતા રિયલ એસ્ટેટના એરેટ ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. એરેટ ગ્રુપના માલીક તેમજ તેના ભાગીદારો સહિતના તેના સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓને ત્યાં આવકવેરા વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી વાપી, દમણ અને ભરૂચમાં 25 થી વધુ સ્થળોએ તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં કરચોરોને પકડવા માટે આવકવેરા વિભાગે કમર કસી છે. ત્યારે આવકવેરા વિભાગે કરેલા સર્વે બાદ દિવાળીના તહેવારો પુરા થતાંની સાથે જ આવકવેરા વિભાગ એકશન મોડમાં આવી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં મોટુ નામ ધરાવતાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા એરેટ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એરેટ ગ્રુપના વાપી, દમણ અને ભરૂચ સ્થીત ઓફિસ તેમજ તેમના ઘર અને ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગનાં 150થી વધુ અધિકારીઓ દ્વારા આજે સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જ કેટલાક બેનામી વ્યવહારો મળી આવ્યાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ સર્ચ અને સર્વે કામગીરી હજુ ત્રણ થી ચાર દિવસ ચાલશે તેમ આવકવેરા વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું. છેલ્લા ઘણા વખતથી રિયલ એસ્ટેટમાં મોટા વ્યવહારો કરનાર એરેટ ગ્રુપ ઈન્કમટેક્ષ વિભાગની નજરે ચડયું હતું અને ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવ્યા બાદ એરેટ ગ્રુપનાં ડિરેકટરો અને ભાગીદારો સહિતના 25 થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતનાં રિયલ એસ્ટેટમાં મોટુ નામ ધરાવતાં એરેટ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્ષના દરોડા પડતાં બિલ્ડરોમાં સોંપો પડી ગયો હતો.
