મોડાસામાં બિલ્ડરો-ઉદ્યોગપતિઓ પર ઈન્કમટેકસના દરોડા હજુ પણ ચાલુ
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવકવેરા વિભાગના મોટા સર્ચ ઓપરેશનથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. 30 સપ્ટેમ્બરની સવારે શરૂૂ થયેલી આ કાર્યવાહી 28 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહી છે અને ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાની ધારણા છે. આ કામગીરી બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને અન્ય અગ્રણી વ્યક્તિઓના રહેણાંક અને વાણિજ્યિક પરિસરમાં કરવામાં આવી રહી છે, અને શહેરમાં નોંધપાત્ર કરચોરીનો પર્દાફાશ થવાની ધારણા છે.
આવકવેરા વિભાગની ટીમો 30 સપ્ટેમ્બરની સવારે 70 થી વધુ વાહનોના કાફલા સાથે મોડાસા પહોંચી હતી. આશરે 45 સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અગ્રણી બિલ્ડરો, ડોકટરો અને ઉદ્યોગપતિઓની મિલકતો, રહેણાંક ઇમારતો, વ્યવસાયિક કચેરીઓ અને ભાગીદારીનો સમાવેશ થાય છે.માહિતી અનુસાર, ગુજરાતના અન્ય શહેરો સાથેના નાણાકીય વ્યવહારોના સંબંધમાં પણ આ કામગીરીની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ છે,આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય કરચોરી અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોની તપાસ કરવાનો છે. શહેરના અગ્રણી બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના નાણાકીય રેકોર્ડ, બેંક ખાતા, મિલકતો અને રોકાણના નિવેદનોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની ટીમો મોડાસાના મુખ્ય વાણિજ્યિક વિસ્તારો, રહેણાંક વિસ્તારો અને શહેરની બહારની મિલકતોમાં સક્રિય છે. આ કાર્યવાહીથી મોટી કરચોરીનો પર્દાફાશ થઈ શકે છે.