વીરપુરમાં સોલાર કંપનીએ ખેડૂતોની સંમતિ વગર જ ખેતરના શેઢે વીજપોલ ઉભા કરતા રોષ
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં ખેડૂતોના ખેતરોના સેઢે જેજે સોલાર કંપની દ્વારા દાદાગીરીથી એકાએક વિજપોલ ઉભા કરી દેવાનું સામે આવ્યું છે,જેમને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના હિરેનભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા નામના ખેડૂતે જણાવ્યું છે કે તેમની જમીન જેતપુર તાલુકાના વીરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી છે જેમાં તેમના સેઢા ઉપર કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કે કોઈપણ પ્રકારનું વળતર અને ભાડું ચૂકવ્યા વગર પાંચ જેટલા વીજ કોલ નાખી દેવાયા છે અને સાથે જ તેમને આ બાબતે પૂછપરછ કરતા તેમને પણ દબાવવાનો અને ધમકાવવાનો પ્રયત્ન કરાયેલ હોવાનું જણાવ્યું છે ત્યારે આ કામની અંદર તેમના ખેતરના સેઢામાં ઉગાડેલ નારીયેલી સહિતના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.
વીરપુરમાં બનેલા આ બનાવ અને આ કામ બાબતે આ ખેડૂતની આજુબાજુના ખેડૂતોના જમીનની અંદર આવેલા શેઢામાં આ પ્રકારે દાદાગીરી કરી અને દબાવી ડરાવી ધમકાવી સોલાર કંપની અને તેમના માણસો દ્વારા જબરદસ્તી ખેડૂતોની માલિકીની જમીન ના શેઢા ઉપર વીજ પોલ ઉભા કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને સાથે જ આ મામલે ખેડૂતોને સોલાર કંપનીના કર્મચારીઓ દ્વારા દબાવવાનું ડરાવવાનું અને ધાકધમકી આપતા હોવાનું ખેડૂતોએ લેખિત અરજીમાં જણાવ્યું છે.
આ સોલાર કંપની દ્વારા સોલાર પ્લાન્ટ માંથી ઉતપન્ન થયેલા વીજ પુરવઠો વીજ વાયરો દ્વારા વીરપુરના 66 કેવી.જેટકોના સબસ્ટેશન સુધી પહોંચાડવા માટે જેજે સોલાર દ્વારા સ્થાનીક ગ્રામપંચાયતની કે સ્થાનિક પ્રશાસનની કોઈપણ પ્રકારની મંજૂરી વગર આડેધડ વિજપોલ ઉભા કરી દેવામાં આવ્યા છે તો આ વિજપોલ દસ જેટલા ખેડૂતોના માલિકીના ખેતરોના સેઢે પણ ખેડૂતોની કોઈપણ પ્રકારની ખેડૂતોની મંજૂરી કે સંમતિ વગર જ ઉભા કરી દેવાતા ખેડૂતોએ સ્થાનિક ગ્રામ પંચાયત થી લઈને મામલતદાર તેમજ ઊર્જા મંત્રી સુધી લેખિતમાં ફરિયાદ કરી છે, આ બાબતે ખેડૂતોએ જેજે સોલરના સુપરવાઈઝર તેમજ કોન્ટ્રાક્ટરને પૂછતાં તેમને ખેડૂતોને એવું જણાવ્યું હતું કે આ સરકારનો પાવર પ્લાન્ટ છે તમારા ગામમાં વીજ પાવર ઘટે છે એટલે આ સોલાર પાવર પ્લાન્ટ ઉભો થાય છે એટલે અમારે કોઈની મંજુરી કે સંમતિ લેવાની ન હોય! અને જેટકોએ આ બધી મંજૂરી અને સંમતિની પ્રોસેસ કરવાની હોય છે અને તમે વધારે કઇ કરશો તો તમારી જમીન પણ જશે એવો જવાબ આપી ખેડૂતોને ધમકીઓ આપી હતી.
જેટકોની કોઇપણ પ્રકારની મંજૂરી કે સંમતિની જવાબદાર નથી: ઇજનેર બગથરિયા
આ બાબતે વીરપુર જેટકોના ઈજનેર બગથરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે જેટકોની કોઈપણ પ્રકારની મંજુરી કે સંમતિની કોઈ જવાબદારી હોતી નથી જે લોકો સોલાર પ્લાન્ટ ઉભો કરે છે તે કંપનીને જ રૂૂટ એપ્રુલ તેમજ સરકારની મંજૂરી કે ખેડૂતોની સંમતિ લેવાની હોય છે,કેમકે આ સોલાર વીજ લાઇન પ્રાઈવેટ હોય એટલે જેટકોને કોઈ લાગેવળગે નહિ! ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે ખેડૂતોના હિતની મોટી મોટી વાતોના બણગાં ફૂંકતી સરકાર આ જેજે સોલર કંપની ની દાદાગીરી સામે પગલાં ભરસે કે સોલાર કંપનીના ઘૂંટણીએ પડીને ખેડૂતોના બરબાદીનો તમાશો જોતી રહશે.!? તેવું ખેડૂતોના મુખે ચર્ચાઈ રહ્યું છે.