For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરાના પ્રખ્યાત ગરબામાં 34 હજાર ખેલૈયા કાદવ-કીચડમાં રમ્યા ગરબે

05:49 PM Oct 04, 2024 IST | Bhumika
વડોદરાના પ્રખ્યાત ગરબામાં 34 હજાર ખેલૈયા કાદવ કીચડમાં રમ્યા ગરબે
Advertisement

મોંઘાદાટ ટ્રેડિશ્નલ પોશાક બગડ્યાનો ખેલૈયામાં કચવાટ: કાદવ-કીચડે ગરબાનો બગાડયો મૂડ: મેદાનની ક્ષમતા કરતા ગરબાના વધુ પાસ વેચાયા હોવાનો ખેલૈયાઓનો આક્ષેપ

રાજ્યભરમાં પહેલા નોરતે ખેલૈયા મન મૂકી ગરબે ઘૂમ્યા હતા, ત્યારે રાજ્યના સૌથી જાણીતા અને મોટા ગણાતા વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા નોરતે 34 હજાર જેટલા ખેલૈયા એકસાથે ગરબે ઘૂમ્યા હતા. આ વર્ષે વડોદરામાં વરસેલા ભારે વરસાદના કારણે યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં ખૂબ જ કાદવ અને કીચડ થઈ ગયો હતો. જેથી ખેલૈયાઓને ખૂબ મુશ્કેલી પડી હતી અને મોંઘાદાટ પોશાક ખરાબ થઈ ગયા હતા. આમ છતાં ખેલૈયા કાદવ કીચડ વચ્ચે રમતા જોવા મળ્યા હતા અને સાથે સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતા કાદવ કીચડ જોવા મળ્યો હતો. જેથી ખેલૈયાઓને કાદવમાંથી પસાર થઈને ગ્રાઉન્ડમાં પહોંચવું પડ્યું હતું. જેને લઈને ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રાઉન્ડમાં આવ્યા બાદ વ્યૂઅર માટેના ઘણા સ્ટેન્ડમાં પાણી ભરાયેલા હતા. જેથી બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડમાં થોડા થોડા અંતરે કાદવ કીચડ જોવા મળ્યો હતો.

Advertisement

ખેલૈયાઓએ જણાવ્યું હતું કે, આ લોકોએ જે પ્રકારે પાસના પૈસા લીધા છે એ પ્રકારે ગ્રાઉન્ડ પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય નથી. આજ પછી યુનાઇટેડ વેમાં પૈસા ભરવાના જ નથી. જ્યાં સુધી અતુલ દાદા છે ત્યાં સુધી યુનાઇટેડ વે ચાલશે, પછી પતી જવાનું છે. તમે જોઈ શકો છો, આ કેવું ગ્રાઉન્ડ છે, અહીં માણસ ચાલી શકતો નથી, તો ગરબા કેવી રીતે કરશે. અમારાં કપડાં ખરાબ થઈ રહ્યાં છે, પગ પણ સ્લીપ થઈ રહ્યા છે, ખૂબ ખરાબ મેનેજમેન્ટ છે.

અમુક ખેલૈયાઓએ એવું પણ કહ્યું હતું કે અમે રાત્રે આઠ વાગ્યાના ગરબા ગ્રાઉન્ડમાં આવી ગયા હતા. પરંતુ અમને પાર્કિંગ મળ્યું નહોતું, જેથી અમારે રોડ ઉપર જ અમારું વાહન પાર્ક કરી દેવું પડ્યું હતું. ગ્રાઉન્ડમાં આવ્યા પછી પણ કોઈ મેનેજમેન્ટ નથી. અહીં ખૂબ જ કાદવ કીચડ થઈ ગયો છે. જેથી અમે રમી શકતા નથી. અમારી માગણી છે કે, નવ દિવસ ઉપર વધુ એક દિવસ ગરબાનું આયોજન કરવું જોઈએ, જેથી અમારા આજના જે ગરબા બગડ્યા છે, તેની રિકવરી થઈ શકે.

યુનાઇટેડ વે ઓફ બરોડાનાં આયોજકોએ જણાવ્યું હતું કે, અમે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં ખૂબ જ મહેનત કરી છે, અમારી ટીમે સતત મહેનત કરીને આ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે અને 34,000 જેટલા ખેલૈયાઓ આજે પહેલા દિવસે ગરબે રમવા આવ્યા છે.

સિંગર કિંજલ દવેએ આયોજકો પર કાઢ્યો બળાપો
1 ઓક્ટોબરના રોજ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા આર.એમ. પટેલ પાર્ટી પ્લોટમાં ગરબા કાર્નિવલનું આયોજન કરાયું છે. જેમાં આયોજકો દ્વારા ગરબાના પાસ વેંચવામાં આવ્યા હતાં. જેને લીધે ગરબા વેન્યૂની બહાર ખેલૈયાઓની હકડેઠઠ ભીડ જામી હતી. જેને લીધે ગરબા રમવાનું તો ઠીક પણ અંદર જવા માટે પણ ખેલૈયાઓ ફાંફા મારતાં હતા. એટલું જ નહીં રોડ પર પણ જબરો ટ્રાફિક જામ થયો હતો. કિંજલ દવેએ એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, ગઈકાલના એક્સપિરિયન્સ પરથી મારે એક વાત કરી છે ખાસ તો ઓર્ગેનાઈઝરને કે તમે માંગો એટલા રૂૂપિયા આપીને પબ્લિક એમના મનગમતા સિંગરને માણવા આવે છે. આર્ટિસ્ટ અને એમના મ્યુઝિશિયન ફેન્સને રાજી કરવા માટે બહુ મહેનત કરતા હોય છે. કારણ કે એ લોકો થકી જ અમે છીએ. મેનેજમેન્ટ અને ઓર્ગેનાઈઝેશનના મિસ મેનેજમેન્ટના લીધે મારા ફ્રેન્ડ્સને તકલીફ પડે છે ત્યારે અમને પણ દુ:ખ થાય છે. કારણકે કોઈના પૈસા ઝાડ ઉપર ઉગતા નથી. કિંજલ દવેએ કેપીસીટી વધારે પાસ ન વેચવા પણ આયોજકોને સલાહ આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement