થોરાળામાં નાના ભાઈએ ઘરમાં આવવા ન દેતા પ્રૌઢનો જાત જલાવી આપઘાતનો પ્રયાસ
જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ યુવાને જવલનશીલ પ્રવાહી પી લેતાં સારવારમાં ખસેડાયા
શહેરમાં થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દુધસાગર રોડ પર રહેતા પ્રૌઢનું નાના ભાઈએ ઘરમાં આવવા ન દેતાં પ્રૌઢે પોતાની જાતે દિવાસળી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાજેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, દુધસાગર રોડ પર રહેતાં હેમતભાઈ યાકુબભાઈ લાપાણી (ઉ.45) રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે પોતાની જાતે થીનર છાંટી દિવાસળી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાજી ગયેલા પ્રૌઢનું સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. પ્રાથમિક તપાસમાં હેમંતભાઈ લાપાણીના પત્ની અને બાળકો બહાર ગામ ગયા બાદ નાના ભાઈ ઈમરાને ઘરમાં નહીં આવવા દેતાં પગલુ ભર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
અન્ય બનાવમાં જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ યુવકે જવલનશીલ પ્રવાહી પી લીધા હોવાની ઘટના સામે આવી છે.
જેમાં શિતલ પાર્ક ચોકડી પાસે ભારતીનગરમાં રહેતા રવિ રાજુભાઈ ચૌહાણ (ઉ.33)એ આજી ડેમ ચોકડી પાસે ઝેરી દવા પી લીધી હતી.
જ્યારે ખોડીયારનગરમાં રહેતા અલ્પેશ કાનાભાઈ અંબારીયા (ઉ.21) એ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર જવલંનશીલ પ્રવાહી પી લીધું હતું. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટનગરમાં રહેતા દીપક ગીરીશભાઈ વઘેરા (ઉ.32)એ પોતાની જાતે હાથના ભાગે બ્લેડના કાપા મારી ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. જવલંનશીલ પ્રવાહી પી લેનાર ત્રણેય યુવકને સારવાર માટે ખસેડાયા હતાં.