રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં મેઘમહેર, આ જીલ્લામાં સૌથી વધુ વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે ભરૂચનાં વાલિયામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે નેત્રંગમાં 5 ઈંચ, સુરતનાં મરપાડામાં 4.9 ઈંચ, જ્યારે વલસાડ તાલુકામાં 4 ઈંચ, મહેસાણાનાં જોટાણામાં 3.8 ઈંચ, સુરતનાં પલસાણામાં 3.7 ઈંચ, સુરત શહેરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભરૂચ જીલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કસક સર્કલ વિસ્તારમાં પાણી ભરાતા રોડ જળમગ્ન થયો હતો. રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજકોટનાં ધોરાજીનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. તોરણીયા ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર સહિતનાં પાકમાં નુકશાન થયું હતું.
હવામાન વિભાગે છ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તો 17 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ શકે છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.. ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની શક્યતા છે.