રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, 18નાં મોત, 193 રોડ- રસ્તા બંધ
રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામાં 7.52 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 44 તાલુકામાં 1થી 6 ઇંચ સુધીનો વરસાદ, 151 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે રાજ્યના 193 રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે સ્ટેટ, નેશનલ, પંચાયત અને R&Bના 193 રસ્તાઓ બંધ કરાયા હતા. સૌથી વધુ રસ્તાઓ ભાવનગર જિલ્લામાં બંધ કરાયા હતા. જ્યારે એસટીની પણ 194 ટ્રીપો રદ્દ કરાઇ હતી.
રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. વરસાદને લઈને અલગ અલગ દુર્ઘટનામાં લોકોના 18ના મોત થયા છે. 36 કલાકમાં પ્રશાસને 109 લોકોને બચાવ્યા હતા. તે સિવાય 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
હવામાન વિભાગની હવામાનની આગાહી આનુસાર આજે (18 જૂન) ગુજરાતના 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.