બાળ અદાલતમાં સગીરે માતાને મળવા અને સિગારેટ પીવાની જીદ સાથે ફિનાઇલ પીધું
જૂનાગઢમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા બાળ આરોપીને રાજકોટની બાળ અદાલતમાં ધકેલાયો હતો. બાળ અદાલતમાં રહેલા સગીરને ગઈકાલે દાદી મળવા આવ્યા હતા. તે દરમિયાન બાળ આરોપીએ માતાને મળવાની અને સિગારેટ પીવાની જીદ સાથે ધમાલ મચાવી ફિનાઈલ પી લીધું હતું. બાળ આરોપીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ જૂનાગઢના વતની અને હાલ ગોંડલ રોડ ઉપર આવેલી બાળ અદાલતમાં રહેલા 15 વર્ષના બાળ આરોપીએ સાંજના છએક વાગ્યાના અરસામાં ફીનાઇલ પી લીધું હતું. બાળ આરોપીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ફીનાઇલ પી લેનાર બાળ આરોપી જૂનાગઢમાં ચોરીના ગુનામાં ઝડપાતા તેને રાજકોટ બાળ અદાલતમાં ધકેલવામાં આવ્યો હતો જ્યાં ગઈકાલે બાળ આરોપીના દાદી મળવા માટે આવ્યા હતા તે દરમિયાન બાળ આરોપીએ જુનાગઢ ખાતે રહેલી માતાને મળવાની અને સિગારેટ પીવાની જીદ કરી ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ છે.