સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીએ વધુ એક ભોગ લીધો: આખલાએ ઢીંકે ચડાવતાં આધેડનું મોત
એકલવાયુ જીવન જીવતાં આધેડ ડેલી બહાર નીકળતા આખલો કાળ બનીને ત્રાટકયો: આધેડે સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોક
રાજ્યભરમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તેમ છતાં તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડયું હોય તેમ રખડતાં ઢોરનાં કારણે અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં સુરેન્દ્રનગરમાં એકલવાયું જીવન જીવતાં આધેડે ડેલી ખોલીને બહાર નિકળતાની સાથે જ આખલાએ ઢીકે ચડાવ્યા હતાં. ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરમાં પી.એન.સી.કવાર્ટર પાસે આવેલ પંચવટી પાર્કમાં રહેતાં નિલેશભાઈ અમૃતલાલ શુકલ નામના 55 વર્ષના આધેડ ગત તા.4 ઓગસ્ટનાં રોજ રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતાં ત્યારે આખલાએ ઢીકે ચડાવતાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડયા હતાં.
ગંભીર રીતે ઘવાયેલા આધેડે તાત્કાલીક સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આધેડની તબિયત નાજૂક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આધેડની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ આધેડે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરતાં સુરેન્દ્રનગર એ-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક નિલેશભાઈ શુકલ ચાર ભાઈ ચાર બહેનમાં નાના હતાં અને એકલવાયુ જીવન જીવતાં હતાં. 20 દિવસ પૂર્વે નિલેશભાઈ શુકલ પોતાના ઘરની ડેલી બહાર નિકળ્યા હતાં ત્યારે આખલાએ ઢીકે ચડાવતાં ગંભીર ઈજા પહોંચતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સુરેન્દ્રનગર એ-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.