સુરેન્દ્રનગરમાં પતિ-પત્ની વચ્ચેના મજાકમાં ફાયરિંગ, પરિણીતાને પીઠમાં ગોળી ખૂંપી ગઇ
ગેરકાયદે હથિયાર મામલે પોલીસે ગુનો નોંધ્યો, પરિણીતાની હાલત ગંભીર
સુરેન્દ્રનગરના રતનપર અવધેશ્વર ટાઉનશિપમાં રહેતા વ્યક્તિ પાસે ગેરકાયદે રિવોલ્વર હતી. પતિ, પત્ની મશ્કરી કરતા હતા ત્યારે લોડેડ રિવોલ્વરમાંથી ફાયરિંગ થતા પત્ની ઘાયલ થઇ હતી. આથી પોલીસે ગેરકાયદે હથિયાર રાખીને ફાયરિંગ કરવાનો પતિ સામે ગુનો દાખલ કર્યો હતો.
રતનપરમાં આવેલી અવધેશ્વર ટાઉનશિપમાં મયુરભાઇ પંકજભાઇ પરમાર નામની વ્યક્તિ પાસે ગેરકાયદે રિવોલ્વર હતી. તા.24 સપ્ટેમ્બરની રાતે પતિ અને પત્ની ઘરે હતા ત્યારે મયુરભાઇએ રિવોલ્વર કાઢી હતી. જેમાં મયુર અને તેની પત્ની જ્યોતીબેન મશ્કરી કરતા હતા ત્યારે અચાનક લોડેડ રિવોલ્વરમાંથી ફાયરિંગ થઇ ગયું હતું.
જેમાં જ્યોતીબેનને પીઠના ભાગે ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તબીબે જોરાવરનગર પોલીસ મથકે જાણ કરી હતી.
જ્યોતીબેનની હાલત ખરાબ જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. જોરાવરનગર પોલીસ તેમનું નિવેદન લેવા માટે અમદાવાદ ગઇ હતી પરંતુ તેઓ નિવેદન આપે તેવી હાલતમાં ન હતા. તબીયત સારી થતા પોલીસે જુબાનીના આધારે જ્યોતીબેનના પતિ વિરૂૂધ્ધ ગેરકાયદે હથિયાર રાખવાની સાથે ફાયરિંગ કરવાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે કરેલી તપાસમાં ઘરમાંથી ફૂટેલું કાર્ટિસ પણ મળી આવ્યું હતું.