સુરતમાં રૂા. 10 લાખના તોડકાંડમાં આપના બીજા કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ
વિપુલ સુહાગિયાની એસીબીએ ધરપકડ કરતા કાછડિયા ફરાર થઈ ગયેલ
સુરત શહેરમાં આમ આદમી પાર્ટી (આપ)ના બે કોર્પોરેટરો સામે લાંચ માંગવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે એક કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. સુરત એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની અટકાયત કરી છે. તેમના પર મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. આ પહેલાં, આ જ કેસમાં આપના બીજા કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી હતી.
કેસની વિગતો મુજબ, બંને કોર્પોરેટરોએ પે એન્ડ પાર્ક કોન્ટ્રેક્ટ રદ કરવાની ધમકી આપીને કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂૂપિયાની લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટરે આ મામલે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા. આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
ફરિયાદમાં રજૂ કરાયેલા ઓડિયો રેકોર્ડિંગને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેની સત્યતા સાબિત થઈ હતી. આ પુરાવાના આધારે, જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગીયા બંનેને આ ગુનામાં આરોપી ઠેરવવામાં આવ્યા હતા. ગુનો નોંધાયા બાદ જીતેન્દ્ર કાછડિયા ફરાર થઈ ગયા હતા. જોકે, એસીબીની ટીમે તેમને શોધી કાઢ્યા અને અટકાયતમાં લીધા છે.