શાપર-વેરાવળમાં ત્રણ દી’થી લાપતા પરપ્રાંતિય પ્રૌઢની પુલ નીચેથી લાશ મળી : હત્યાની શંકા
રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઔદ્યોગિક વસાહત શાપર-વેરાવળમાં પુત્ર સાથે રહેતા બિહારી પ્રૌઢ ત્રણ દિવસ પહેલા ઘરેથી નિકળી ગયા બાદ આજે સવારે તેની હાઈવે પર આવેલ પુલની નીચેથી લાશ મળી આવતા બિહારી પ્રૌઢની હત્યાની આશંકાએ પોલીસે લાશનો કબ્જો મેળવી ફોરેન્સીક પોર્સ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
આ બના અંગેની જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળ સાઈનીંગ ગેઈટ પાસે આવેલ ડી.એન. કાસ્ટ નામના કારખાનાની ઓરડીમાં રહેતા વિનોદ પ્રસાદ બ્રિજાનંદ પ્રસાદ કુર્મી ઉ.વ.49 નામના બિહારી પ્રૌઢની સવારે હાઈવે પર આવેલ શાંતિધામના પાટિયા પાસે પુલ નીચેથી લાશ મળી આવી હતી.
આ બનાવની મૃતક શ્રમિકના પુત્ર રિતિક કુમારે શાપર-વેરાળ પોલીસને જાણ થતા પીએસઆઈ આર.કે. ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાત ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં બિહારી પ્રૌઢ પોતાના પુત્ર રિતિક કુમાર સાથે ડિએન કાસ્ટ નામના કારખાનાની ઓરડીમાં રહેતો હતો અને છુટક વેલ્ડીંગની મજુરી કામ કરતો હતો.
ગત તા. 13-2-2024ના સાંજના છ વાગ્યાના અરસામાં વિનોદ પ્રસાદ ઘરેથી નિકળી ગયા બાદ બીજે દિવસે સવારે પરત નહીં ફરતા તેના પુત્રએ પિતાની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ગઈ કાલ સાંજ સુધી પિતાની કોઈ જ ભાળ નહીં મળતા શાપર-વેરાવળ પોલીસ મથકમાં ગઈકાલે સાંજે પિતા ગુમ થયાની જાહેરાત કરી હતી.
દરમિયાન આજે સવારે શાપર-વેરાવળ હાઈવે પર આવેલ શાંતિધામના પાટિયા પાસેના પુલ નીચેથી ત્રણ દિવસથી લાપતા વિનોદ પ્રસાદની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક પ્રૌઢનું મોતનું ચોક્કસ કારણ જાણવા લાશને ફોરેન્સીક પોર્સ્ટમોટર્મ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક બિહારના ભવાનીગંજ વિસ્તારના વતની હોવાનું અને તેને સંતાનમાં ત્રણ દિકરા હોવાનું જાણવા મળ્યું છે.