શાપરમાં મધરાત્રે લઘુશંકા કરવા જતો યુવાન અંધારામાં ત્રીજા માળેથી પટકાતાં મોત
કોડીનારના વડનગરમાં પ્રૌઢાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું
શાપરમાં ગોંડલ રોડ પર આવેલ રાજેશ્રી એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન મધરાત્રે લઘુશંકા કરવા જતો હતો ત્યારે અકસ્માતે અંધારાના કારણે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપરમાં ગોંડલ રોડ પર આવેલ રાજેશ્રી એપાર્ટમેન્ટમાં રહેતા નટુ પ્રેમજીભાઈ વાઘેલા નામનો 39 વર્ષનો યુવાન રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈમાં મોટો હતો અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. નટુ વાઘેલા મધરાત્રે લઘુશંકા કરવા જતો હતો ત્યારે અંધારામાં ત્રીજા માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોડીનારના વડનગરમાં રહેતા જયાબેન દેવશીભાઈ વાઢેર ઉ.વ.57 પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે કોડીનાર અને જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન પ્રૌઢાએ દમ તોડી દેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.