લોધિકાના રાવકી ગામે પિતાએ જમવા મુદ્દે ઠપકો આપતાં પુત્રએ વખ ઘોળ્યું
લોધિકાના રાવકી ગામે રહેતા યુવકને પિતાએ ‘તમે જમી લો, હું પછી જમીશ’ તેવું કહેતા યુવકને માઠુ લાગ્યું હતું. આવેશમાં આવેલા યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકની ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ લોધિકાના રાવકી ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલા નિલેશ કુવરશીભાઈ ચૌહાણ (ઉ.18) રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં શૈલેષભાઈની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં નિલેશ ચૌહાણ બે ભાઈ ચાર બહેનમાં મોટો છે અને તેના પિતાએ ‘તમે જમી લો, હું પછી જમીશ’ તેવું કહેતા નિલેશ ચૌહાણને માઠુ લાગતાં ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના દેરડી કુંભાજીમાં રહેતા મેહુલ મંગલદાસ દુધરેજીયા (ઉ.37), પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી.
યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં મેહુલ દુધરેજીયા ત્રણ ભાઈ એક બહેનમાં નાનો છે અને તેના મોટાભાઈ અજયનું બિમારી સબબ મોત નિપજ્યા બાદ ભાભી સાથે મેહુલે દિયર વટુ કર્યુ હતું અને તેને સંતાનમાં બે દીકરી છે. પરંતુ દીયર વટુ કર્યા બાદ પત્ની માવતરે ચાલી જતાં મેહુલ દુધરેજીયાએ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.