રાજકોટમાં પરિણીતા સહિત ચારને ભાંગનો નશો ચડયો
- ચારેયની તબિયત લથડતાં બેશુદ્ધ હાલતમાં સારવારમાં ખસેડાયા
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર મહાદેવ મંદિરોમાં ભાંગની પ્રસાદી આપવામાં આવે છે ત્યારે અમુક વાર ભાંગની પ્રસાદીને લઈ અમુક લોકોની તબિયત બગડી જવાના બનાવો બની ચુકયા છે ત્યારે આજે રાજકોટમાં ભાંગની પ્રસાદી લીધા બાદ પરિણીતા સહિત ચાર વ્યક્તિની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગઈકાલે બે યુવકને ભાંગનો નશો ચડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારબાદ મહિલા સહિત વધુ ચાર વ્યક્તિને ભાંગ પીધા બાદ તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે જેમાં રાજકોટમાં પેડક રોડ ઉપર આવેલી ન્યુ શક્તિ સોસાયટીમાં રહેતી પારુલબેન દિલીપભાઈ વોરા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં ભાંગ પી જતા તેણીને નશો ચડ્યો હતો જ્યારે ભગવતીપરા વિસ્તારના જયપ્રકાશનગરમાં રહેતા મનસુખભાઈ ખોડાભાઈ નામના આધેડે પોતાના ઘર પાસે ભાંગ પી લેતા તેમની તબિયત લથડી હતી. રૈયાધારમાં રહેતો વિનોદ નાથાભાઈ પરમાર નામનો 40 વર્ષનો યુવાન સવારના સાતેક વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલ પાસે ભાંગના નશામાં બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો.
જ્યારે લોધિકાના પારડી ગામે રહેતા નાનજીભાઈ જીવાભાઇ મકવાણા નામના 70 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે ભાંગની પ્રસાદી લીધા બાદ બેશુદ્ધ હાલતમાં ઢળી પડ્યા હતા. ભાંગ પીધા બાદ નશો ચડતા પરિણીતા સહિત ચારેયને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.