રાજકોટમાં ભણતરના ભારથી કંટાળી ધો.6ના છાત્રએ સ્કૂલમાં જ વખ ઘોળ્યુ
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં પેડીક રોડ પર આવેલી સંતજ્ઞાનેશ્ર્વર સ્કૂલમાં ધો.6માં અભ્યાસ કરતાં 12 વર્ષના છાત્રએ ભણવાનું ગમતું નહીં હોવાથી સ્કૂલમાં જ ઝેરી દવા પી લીધી હતી. તરૂણને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શિવનગરમાં રહેતાં અને પેડક રોડ પર સેટેલાઈટ ચોક નજીક આવેલી સંત જ્ઞાનેશ્વર સ્કૂલમાં ધો.6માં અભ્યાસ કરતાં વિરાજ વિરમભાઈ બાંભવા નામનો 12 વર્ષનો વિદ્યાર્થી ગઈકાલે બપોરના ચારેક વાગ્યાના અરસામાં સ્કૂલમાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. તરૂણને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં વિરાજ બાંભવાના પિતા ખેતી કામ કરે છે. વિરાજ બાંભવા માતા-પિતાનો આધારસ્થંભ અને એકની એક બહેનનો એકનો એક ભાઈ છે. વિરાજ બાંભવા સંતજ્ઞાનેશ્ર્વર સ્કૂલમાં ધો.6માં અભ્યાસ કરે છે. ગઈકાલે સ્કૂલમાં હતો ત્યારે ભણવાનું નહીં ગમતાં ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.