લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ
પતિ સહિત સાસુ-સસરા, મામાજી સામે ફરિયાદ
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણી જામનગર માવતરે રીસામણે બેઠી છે, અને પોતાના સાસરિયાઓ સામે ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર નજીક શ્યામનગર શેરી નંબર 4 માં રહેતી સરોજબેન ભાવેશભાઈ સોનગરા નામની 32 વર્ષની પરણીતાએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના સાસરીયાઓ સામે પોતાને ત્રાસ આપી મારકૂટ કરી ઘરમાંથી હાંકી કાઢવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે સરોજબેન ના પતિ રાફૂદડ ગામમાં રહેતા ભાવેશ હીરાભાઈ સોનગરા, સસરા હીરાભાઈ રાઘવભાઈ સોનગરા, સાસુ ઝીણીબેન હીરાભાઈ સોનગરા, તેમજ મામાજી સસરા રણછોડભાઈ નારાણભાઈ રાઠોડ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.