પોરબંદરમાં ટીવીશોમાં ધબાધબી, ઓડિશનમાં જજ તરીકે ગયેલી મહિલાના વાળ ખેંચ્યા
પોરબંદરની હોટલ ખાતે આયોજિત ટીવી શોના ઓડિશનમાં જજ તરીકે ગયેલી યુવતી ઉપર એક શખ્સે હુમલો કરી વાળ ખેંચી તેનું ક્રાઉન ઝૂંટવીને તોડી નાખી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સત્યનારાયણ મંદિર નજીક દેવદર્શન એપાર્ટમેન્ટ સામેની ગલીમાં રહેતી રિયા જીતુભાઈ ગોસ્વામીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ, શનિવારે તેને પાંજરાપોળ સામે આવેલ સેફોન હોટલ ખાતે અગ્રવાલ પ્રોડક્શન હાઉસ મુંબઈ તરફથી ટીવી શોનો પ્રોગ્રામ હતો. તેમાં જજ તરીકે નિમંત્રિત કરવામાં આવતા ત્યાં જજ તરીકે ગઈ હતી અને કાર્યક્રમ ચાલુ હતો. આ દરમિયાન સાંજે સાતેક વાગ્યે ચેતન ગજેન્દ્ર પરમાર નામનો શખશ ત્યાં આવી પહોંચ્યો હતો અને તમારો શો બંધ કરો તેમ કહી પ્રોડયુસરને બહાર લઈ ગયો હતો.
આથી રિયા એ પોલીસ કંટ્રોલરૂૂમમાં ફોન કર્યો હતો અને હોલની સીડી પાસે ઉભી હતી. ત્યારે ચેતને ત્યાં આવીને રિયાનો કાઉન હાથમાંથી ઝૂંટવીને તોડી નાખ્યો હતો અને ગાળો આપી વાળ પકડી ઢિકા પાટુનો માર મારવા લાગ્યો હતો. તું મને હવે ક્યાંય મળી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ત્યાંથી નાસી ગયો હતો. ત્યાર બાદ પોલીસ આવી જતા તેણે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ માં એવું પણ જણાવ્યું છે કે, ચેતન છેલ્લા એક વર્ષથી તેને હેરાન કરે છે અને ઘરની બહાર કોઈ જગ્યાએ નીકળે તો તેનો પીછો કરતો હતો. તેની મરજી વિરુદ્ધ સ્પર્શ કરવાની કોશિશ કરતો હતો અને મોઢેથી સીટીઓ મારી ક્યારેક તેના મોટરસાયકલનું લીવર આપી બાઈક રેસ કરીને પીછો કરી હેરાન પરેશાન કરતો હતો. તેને ખબર પડી કે રિયા ટીવી શો ઓડીશનના પ્રોગ્રામમાં જજ તરીકે છે. એટલે આયોજકોની વચ્ચે જ ગાળો કાઢી વાળ પકડી ઢીકા પાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.