પોરબંદરમાં જવાનોએ કડકડતી ઠંડીમાં દરિયામાં રાષ્ટ્રધ્વજ લહેરાવી કર્યું ધ્વજવંદન
પોરબંદરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી, જ્યાં શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા છેલ્લા 22 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દરિયામાં ધ્વજવંદન કરવામાં આવ્યું. આ વર્ષે સવારે 6:30 કલાકે ચોપાટી ખાતેના દરિયામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ વખત મરીન ટાસ્ક ફોર્સના જવાનો પણ જોડાયા હતા.કડકડતી ઠંડીના માહોલમાં પણ સ્વિમિંગ કલબના સભ્યો અને જવાનોએ દરિયામાં જઈને તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું. ચોપાટી પર ઉપસ્થિત શહેરીજનોએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી, જ્યારે સમુદ્રની લહેરો પણ જાણે તિરંગાને સલામી આપતી હોય તેવા અદભુત દૃશ્યો સર્જાયા.જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ કુતિયાણા ખાતે યોજવામાં આવ્યો હતો, જ્યારે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા. કુદરતે બક્ષેલા અફાટ દરિયાકાંઠે યોજાયેલો આ અનોખો કાર્યક્રમ પોરબંદરની ઓળખ બની રહ્યો છે.