પાંચાળ ભૂમિમાં તરણેતરના ભાતીગળ મેળાનો શુભારંભ
ભગવાન ત્રિનેતેશ્ર્વર મહાદેવના પૂજન-અર્ચન બાદ મેળો ખુલ્લો મુકાયો, ગ્રામીણ ઓલિમ્પિકનો પણ પ્રારંભ
કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યા સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો.
તરણેતર લોકમેળાને ખુલ્લો મુક્યો બાદ જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું સુચારુ આયોજન કાર્ય કરવામાં આવ્યું છે.
ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજનઅર્ચન બાદ ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિતના મહાનુભાવોએ કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા વિકસિત ભારત 2047 વિષય સાથે યોજાયેલા મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા. બાદમાં તરણેતર લોકમેળાના મેળાના આકર્ષણ સમા ગ્રામિણ ઓલમ્પિકસ અને વિસરતા વારસાનું જતન અને સંવર્ધન માટે મેળામાં પ્રથમવાર યોજાયેલી પારંપારિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ચોટીલા આસિસ્ટન્ટ કલેકટરશ્રી કલ્પેશ શર્મા, પ્રાંત અધિકારીશ્રી સર્વ નિકુંજ ધૂળા, કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, અગ્રણી સર્વ કાનભા, વિજયભાઈ ભગત સહિત સંબધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસ વિજેતા થયેલા સ્પર્ધકો
4લંગડી (9 ખેલાડીઓ)ની સ્પર્ધામાં વિજેતા ઉમેદવાર ભાઈઓ
પ્રથમ ક્રમાંક - તરણેતર એ ટીમ
દ્વિતીય ક્રમાંક - લાખણકા પ્રાથમિક શાળા
તૃતીય ક્રમાંક - તરણેતર બી ટીમ
4લંગડી (9 ખેલાડીઓ)ની સ્પર્ધામાં વિજેતા ઉમેદવાર બહેનો
પ્રથમ ક્રમાંક - તરણેતર એ ટીમ
દ્વિતીય ક્રમાંક - સણોસરા પ્રાથમિક શાળા
તૃતીય ક્રમાંક - ગુગળીયાણા પ્રાથમિક શાળા
ગોળાફેંકની સ્પર્ધામાં ઓપન કેટેગરી વિજેતા ઉમેદવાર
ભાઈઓ
પ્રથમ ક્રમાંક - અભય બારોટ, વિરમગામ
દ્વિતીય ક્રમાંક - અજય મકવાણા, થાનગઢ
તૃતીય ક્રમાંક - હરેશભાઈ સોડાણી, ચોટીલા
બહેનો
પ્રથમ ક્રમાંક - લાધુબેન પરમાર, વઢવાણ
દ્વિતીય ક્રમાંક - જ્યોત્સનાબેન લોલાડીયા, લીંબડી
તૃતીય ક્રમાંક - વર્ષાબેન વનાણી, ખંપાળીયા