ધ્રોળના નથુવડલા ગામે યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈ આપઘાત
મૂળ દાહોદ જિલ્લાના ધાનપુરના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં વલ્લભભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગુલાબભાઈ વરસંગભાઈ પરમાર નામના 26 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે નથુવડલા ગામમાં લખમણભાઇ બાંભવાની વાડીના શેઢે એક ઝાડની ડાળીમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતકના પિતા વરસંગભાઈ માનસંગભાઈ પરમારે પોલીસને જાણ કરતાં ધ્રોળ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે. કે. દલસાણીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાને આજથી આઠ મહિના પહેલાં નથુવડલા ગામની સીમમાં મજૂરી કામ કરતા ઉદેસિંગ સુનકાભાઈ બામણીયા ની પુત્રી કાજલબેન સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. પરંતુ છેલ્લા ચાર મહિનાથી તેની પત્ની કાજલ રિસાઈને પોતાના પિતાને ઘેર નથુવડલા ગામે ચાલી ગઈ હતી, અને પરત આવતી ન હતી.
જેના વિયોગમાં ગઈકાલે ગુલાબભાઈ પરમાર તેની વાડી પાસે ગયો હતો, ત્યારબાદ મોડી રાત્રે ઝાડની ડાળીમાં લટકી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.