રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોટામવામાં 5000ના 47000, રૈયામાં ખેતીના 6000 સામે 26650, કુચિયાદડમાં રૂા. 68ના સીધા 469 સૂચિત જંત્રી દરો

03:37 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટમાં નવા સૂચિત જંત્રી દરો જોઈ તમ્મર ચડી જાય તેવી સ્થિતિ, અમુક વિસ્તારોમાં અસાધારણ વધારો સૂચવાયો

રાજકોટના રૈયા-નાનામવા, મોટામવા, મવડી, કોઠારિયા, માધાપર, ઘંટેશ્ર્વર, રોણકી સહિતના નવા વિકસતા વિસ્તારોમાં જંત્રી દરોમાં અનેકઘણો વધારો સૂચવાયો

ગુજરાત સરકારે વર્ષ 2023માં જંત્રીદરો ડબલ કર્યા બાદ હવે ફરીથી જંત્રીદરોમાં વધારો કરવા મુસદો જાહેર કર્યો છે. અને વાંધા સુચનો માંગ્યા છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લાના નવા સુચિત જંત્રીદરોનો અભ્યાસ કરતા બોકાસો બોલી જાય તેવો અવાસ્તવિક અને અસાધારણ વધારો સુચવાયો હોવાનું જાણવા મળ્યું છે.

અમુક વિસ્તારોમાં તો નવા સુચિત જંત્રીદરો જોતા જ મિલ્કત ધારકોને તમ્મર ચડી જાય તેવી સ્થિતિ છે. ખાસ કરીને શહેરના નવા વિક્સી રહેલા રૈયા, નાનામવા-મોટામવા, મવડી, કોઠારિયા, માધાપર, મનહરપર, ઘંટેશ્ર્વર, રોણકી સહિતના વિસ્તારોમાં સુચિત જંત્રીદરોમાં અનેકગણો વધારો ઝીંકી દેવાયો છે. જ્યારે ખીરસરા-ગુંદાસરા વિગેરે ઔદ્યોગિક રીતે વિકસતા વિસ્તારોના સુચિત જંત્રીદરોમાં ઘટાડો કરાયો છે.

રાજ્ય સરકારે વેબસાઈટ ઉપર મુકેલા સુચિત જંત્રી દરોનો અભ્યાસ કરતા જોવા મળ્યું કે, ખેતીની જંત્રીના દરોમાં પણ અનેકગણો વધારો સુચવાયો છે. સુચિત જંત્રીદરમાં અમુક સ્થળે સામાન્ય ઘટાડો તો મોટાભાગના વિસ્તારોમાં અસાધારણ અને ગળે ઉતરે નહીં તેવો વધારો સુચવાયો છે. તે જોતા જંત્રી દરો નક્કી કરવામાં તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા ઝીંકમઝીંક કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.

રાજકોટમાં સ્માર્ટ સીટી જ્યાં તૈયાર થયું છે તે રૈયા વિસ્તારની વાત કરવામાં આવે તો રૈયામાં ટીપી નં. 5 માં જ્યાં હાલ જમીનની જંત્રી રૂા. 23000 છે ત્યાં રૂા. 53000 તેમજ એફપી નં. 210-11માં જ્યાં રૂા. 25000 છે ત્યાં રૂા. 61000 સુચવવામાં આવેલ છે જ્યારે ખુલ્લા પ્લોટમાં રૈયા સર્વે નં. 250માં ખેતીની જમીનનો જંત્રી દર હાલ રૂા. 5000 છે તે વધારીને સીધો રૂા. 16525 સુચવવામાં આવ્યો છે. જ્યારે બીનખેતીની જંત્રીના દરમાં ઘટાડો સુચવી જે રૂા. 26,500 છે તે ઘટાડીને રૂા. 25,500 કરવા સુચવાયું છે. રૈયા ટીપી નં. 32માં સર્વે નં. 251માં જૂના જંત્રીદર 15000 હતા તે વધારી 41000 કરવા તથા ખેતીના જંત્રીદર રૂા. 6000થી વધારી 26,650 કરવા સુચવાયું છે.
શહેરના સૌથી હોટલીસ્ટ વિસ્તાર ગણાતા નાનામૌવા અને મોટામૌવાના સુચિત જંત્રીદરો જોઈએ તો મોટામૌવાના સર્વે નં. 100થી 104માં ખુલ્લા પ્લોટના હાલના જંત્રીદર રૂા. 4500 છે તે વધારીને સીધા 20,000 તેમજ સર્વે નં. 145 અને 166માં રૂા. 9000 જંત્રી છે તે વધારીને 39,000 કરવા સુચવાયું છે. જ્યારે માસુમ સ્કૂલ આસપાસના સર્વે નં. 146માં હાલ રૂા. 5000 જંત્રી છે તેના સીધા રૂા. 47000 કરવા સૂચવાયું છે.

આજ રીત નાનામૌવામાં પણ ફાઈનલ પ્લોટ નં. 345માં 23000ની જંત્રી સામે 53000 અને ફાઈનલ પ્લોટ નં. 210-211માં 25000ની જંત્રી સામે રૂા. 61,000 જંત્રી નક્કી કરવા સુચિત મુસદામાં જણાવાયું છે.

આ ઉપરાંત રાજકોટની ભાગોળે આવેલા ગામડાઓની સુચીત જંત્રીમાં પણ મોટી વિસંગતતાઓ સામે આવી છે. હાલ ઔદ્યોગિક દ્રષ્ટિએ વિક્સિ રહેલા ખિરસરા અને ગોંડલના ગુંદાસરા, હડમતાળા, પડવલા સહિતના ગામોમાં જંત્રીના દર ઘટાડવા સુચવવામાં આવેલ છે. તેની સામે અમદાવાદ રોડ ઉપર આવેલા કુચિયાદડ સહિતના ગામોમાં જંત્રીના દરોમાં 10-10 ગણો વધારો સુચવાયો છે. કુચિયાદડમાં હાલ ખેતીની જંત્રીનો દર ચો.મી.ના રૂા. 68 છે તે વધારીને સીધા રૂા. 469 કરવા મુસદામાં જણાવાયું છે. આમ રાજકોટ શહેર અને આસપાસના ગામોની જંત્રીના સુચિત દરો જોવામાં આવે તો આાગમી દિવસોમાં મોટા વાદ વિવાદ સર્જાવવાની શક્યતા દર્શાવાઈ રહી છે.

બિલ્ડરોમાં પણ બોકાસો, સુચિત જંત્રી દરો અનેક ગણા વધુ અને અવાસ્તવિક
સંપૂર્ણ અભ્યાસ બાદ વાંધાઓ રજૂ કરી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા તૈયારી

ગુજરાત સરકારે વર્ષ 2023માં મિલ્કતોના જંત્રીદર ડબલ કર્યા બાદ હવે ફરીથી વધારો કરવા માટે સુચિત ડ્રાફ્ટ બહાર પાડી એક માસમાં વાંધા સુચનો માંગ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને નવા વિક્સી રહેલા વિસ્તારોમાં સુચિત જંત્રી દરોમાં અનેક ગણો વધારો સુચવાતા મિલ્કત ધારકો અને બિલ્ડર લોબીમાં બોકાસો બોલી ગયો છે.

સરકારની વેબસાઈટ ઉપર રાજ્યભરના નવા સૂચિત જંત્રી દરો જાહેર કરાયા છે. તેમાં અમુક જૂના વિસ્તારોમાં જંત્રી દરોમાં ઘટાડો સુચવાયો છે. જ્યારે નવા વિક્સી રહેલા અમુક વિસ્તારોમાં તો 30થી 35 ગણા ભાવો સુચવાયા હોવાથી અનેક વિસંગતતાઓ બહાર આવી છે.

આ ઉપરાંત જંત્રી દરો નક્કી કરવા માટે વાસ્તવીક ભાવો જાણ્યા વગર જ અધિકારીઓએ ઓફિસમાં બેઠાબેઠા ભાવો લખી નાખ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સરકારે જંત્રીના સુચિત દરો જાહેર કરતા જ બિલ્ડરોમાં બોકાસો બોલી ગયો છે. અને ગુજરાત બિલ્ડર એસોસીએશને તેની હેઠળના તમામ નાના-મોટા શહેરોના એસોસીએશનોને સરકારે જાહેર કરેલા નવા સુચિત જંત્રી દરોનો સંપૂર્ણ અભ્યાસ કરી જે વિસ્તારોમાં ગેરવ્યાજબી વધારો જણાતો હોય તેની સંપૂર્ણ વિગતો ગુજરાત બિલ્ડર એસો. તથા કેડાઈ ગુજરાતને મોકલવા સુચના આપવામાં આવી છે.

વિવિધ એસોસીએશનોની રજૂઆત મળ્યા બાદ ગુજરાત બિલ્ડર એસો. દ્વારા વિસ્તારવાઈઝ વાંધાઓ પણ રજૂ કરવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ-પ્રધાનો તથા જરૂર પડે તો મુખ્યમંત્રી સાથે બેઠકો યોજી જંત્રીના વાસ્તવીક દરો રાખવા રજૂઆત કરવામાં આવશે તેવું પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsJantriJantri ratesrajkot news
Advertisement
Next Article
Advertisement