સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે નાનાભાઇએ લાકડાના ધોકા ફટકારી મોટાભાઇની કરેલી હત્યા
સામાન્ય બોલાચાલીમાં માથામાં ફટકારેલો ધોકો જીવલેણ નિવડ્યો
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે એક હત્યાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ નાના ભાઈએ મોટા ભાઈને ખાટલાના લાકડાના ધોકાથી માથામાં ફટકો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, મોરાસા ગામના 38 વર્ષીય અજીતસિંહ ભાવસંગ રાઠોડ અને તેમના નાના ભાઈ હિતુભા ભાવસંગ રાઠોડ વચ્ચે બપોરે આશરે 4 વાગ્યાની આસપાસ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી.
ઝઘડા દરમિયાન, હિતુભાએ ઘરમાં પડેલા ખાટલાના લાકડાના ધોકાનો ઉપયોગ કરીને મકાનના ઢાળીયામાં અજીતસિંહના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. માથામાં ગંભીર ઈજા થવાને કારણે અજીતસિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સુત્રાપાડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે હત્યારા હિતુભા ભાવસંગ રાઠોડને ઝડપી પાડી કસ્ટડીમાં લીધો છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂૂ કરી છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ઙજઈં લોહે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં બપોરે જમતી વખતે હિતુભાએ અજીતસિંહ પાસે પૈસાની માંગણી કરી હતી, જે બાદ બોલાચાલી થઈ અને હિતુભાએ ખાટલાનો પાયો માથામાં ફટકારી દીધો હતો. મૃતક અજીતસિંહ પરિણીત હતા, પરંતુ તેમના પત્ની હાલ રિસામણે છે. બંને ભાઈઓ તેમની માતા સાથે મોરાસા ગામે રહેતા હતા. હત્યારો ભાઈ હિતુભા અપરિણીત છે અને તેનો સ્વભાવ તામસી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.