મેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાત
મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આશિષ દયાતરના આડાસંબંધો અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને તેમની પત્ની ભાવિશાએ આપઘાત કરી લીધો છે. આ અંતિમ પગલું ભરતા પહેલાં તેમણે ગળેફાંસો ખાતા સમયની સેલ્ફી પતિને મોકલી હતી.હેડ કોન્સ્ટેબલ આશિષ દયાતર ઘરમાં ખુલ્લેઆમ પોતાના અનેક જગ્યાએ લફરાં હોવાની વાત કબૂલતો હતો. તેણે પોતાના સસરા સાથેની વાતચીતમાં પણ લગ્નજીવન બાદ પણ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત, યુવક તેની પત્નીને કેદીની માફક માર મારતો હતો. મૃતક દીકરી ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે, આશિષ દયાતરે પોતાનું લફરું હોવાની વાત બહાર આવ્યા બાદ માફી માગી હતી, છતાં તેનું વર્તન ન બદલાયું. ત્રાસ સહન ન થતાં ભાવિશાએ અંતે પતિને ફાંસો ખાતો ફોટો મોકલીને આત્મહત્યા કરી લીધી. પોલીસે પિતાની ફરિયાદના આધારે કોન્સ્ટેબલ પતિ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.
આ સમગ્ર કેસમાં સૌથી મોટો પુરાવો મૃતક ભાવિશાના પતિ આશિષ દયાતર અને ભાવિશાના પિતા ભરતસિંહ વચ્ચે થયેલી ઓડિયો-ક્લિપ છે. આ ઓડિયો-ક્લિપમાં આશિષ દયાતરે પોતે જ અન્ય સ્ત્રીઓ સાથેના આડાસંબંધો હોવાનું કબૂલ્યું હતું, જેમાં તેણે સ્વીકાર્યું હતું કે હું કબૂલું છું કે મારે જૂનાગઢમાં લફરું છે, મેંદરડા સ્ટાફમાં લફરું છે અને માતરવાણિયા ગામમાં પણ લફરું છે. માળિયા હાટીના પોલીસે મૃતક ભાવિશાના પિતા ભરતસિંહ બાબરિયાની ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલ પતિ આશિષ દયાતર વિરુદ્ધ પત્નીને મરવા મજબૂર કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.