માણાવદરમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, સ્વામિનારાયણ મંદિર- દુકાનમાંથી ચોરી
રોકડ ભરેલી દાન પેટી અને દુકાનમાંથી 42 હજારની રોકડ ચોરાઇ, સીસીટીવી વાઇરલ
માણાવદરમાં સ્વામિનારાયણ મંદિર, એગ્રોની દુકાનમાં ખાબકી તસ્કરો દાન પેટીમાંથી પેટીમાંથી 13000, દુકાનમાંથી 42000 ચોરી ગયા હતા.આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી અનુસાર માણાવદરમાં જૂનાગઢ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગે આવેલ દરવાજામાં હથિયારથી બળ વાપરી તાળુ તોડી તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરની અંદર રહેલ રૂૂપિયા 10,000ની રોકડ સાથેની દાન પેટી સાથે લઈ જઈ તેમજ સભા મંડપની દાન પેટીમાંથી પણ રૂૂપિયા 3,000ની રોકડની ચોરી કરી હતી. મંદિરની સાથે તસ્કરોએ કૃષિ મોલ એગ્રો નામની દુકાનને પણ નિશાન બનાવી હતી.
શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએ રૂૂપિયા 42000નો હાથફેરો કર્યો હતો. આમ એક જ રાતમાં બે જગ્યાએથી રસ્તો રૂૂપિયા 55,000ની રોકડ ચોરી ગયા હોવાની ફરિયાદ હિતેશભાઈ મારડિયાએ નોંધાવતા પીએસઆઇ આર. એમ. વાળાએ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાભરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. પોલીસ આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.