જસદણના કુંદણીમાં બે શખ્સે રૂપિયા માંગી ધમકી આપતા મહાદેવ મંદિરના પૂજારીએ ઝેર પીધું
જસદણના કુંદણી ગામે આવેલા ભુતનાથ મહાદેવના મંદિરે સેવા પૂજા કરતા પૂજારી પાસે બે શખ્સોએ રૂૂપિયા માંગી ધમકી આપી હતી. બંને શખ્સોની ધમકીથી ડરી ગયેલા પૂજારીએ ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પૂજારીને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના કુંદણી ગામે આવેલા ભુતનાથ મહાદેવના મંદિરે સેવા પૂજા કરતા પુરુષોત્તમદાસ પ્રકાશદાસ સ્વામી નામના 50 વર્ષના પુજારી વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં મંદિરે હતા ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો. પૂજારીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરતા ભાડલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પરસોત્તમદાસ સ્વામી છેલ્લા 15 વર્ષથી ભૂતનાથ મહાદેવ મંદિરે સેવા પૂજા કરે છે અને બે શખ્સોએ રૂૂપિયાની માંગણી કરી ધમકી આપતા પરસોતમદાસ સ્વામીએ ડરના માર્યા ઝેરી પાવડર પી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.