જૂનાગઢમાં લૂંટના આરોપીઓનો આતંક, હાથ પર છરકા કરી પોલીસને ફિટ કરવાની આપી ધમકી
પોલીસ પકડવા આવતા નામચીન શખ્સો અગાશી ઉપર ચડી ગયા, પોલીસે સૂઝબૂઝથી ઝડપી લીધા
જૂનાગઢના ખાડિયા વિસ્તારમાં કરિયાણું લેવા ગયેલી મહિલાઓ સાથે લૂંટ કરતાં મહિલાએ પોલીસને ફોન કરતાં જ ઉશ્કેરાયેલા બે શખ્સોએ મહિલાના પેટ પર છરી મૂકી દીધી હતી. જોકે, આ દરમિયાન પોલીસ આવી જતાં બંને નજીકના ધાબે ચડી ગયા હતા અને એક શખ્સે તેના સાથી મિત્રને કાચના ટુંકડાના ચેકા મારી પોલીસને ધમકી આપતાં કહ્યું હતું કે, મને પકડશો તો મારા મિત્રને મારી નાખીશ અને તમને એટ્રોસિટીમાં ફીટ કરાવી દઇશ.. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરના સમયે જૂનાગઢના બોર્ડિંગવાસ વિસ્તારમાં એક મહિલા કરિયાણું લેવા દુકાને ગઈ હતી. આ સમયે સંદીપ ઉર્ફે કાલીયો અને તેનો મિત્ર જયેશ વઘેરા આવ્યા હતા અને બંને શખ્સો દુકાનમાંથી સામાન નીચે ફેંકતા હતા. તે સમયે આ મહિલાએ કાલીયા અને તેના મિત્રને જયેશ વઘેરાને દૂર રહેવાનું કહેતાં મહિલાને અને તેના જેઠાણીને અપશબ્દો બોલી કાલીયાએ મહિલા પેટ પર છરી રાખી રૂૂ.1150 રાખેલી પર્સ લૂંટી લીધું હતું. ત્યારબાદ મહિલાના સાસુ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાલિયાને સમજાવવા લાગ્યા હતા પરંતુ કાલીયો સમજતો ન હતો અને મહિલા અને તેના સાસુને પણ મન ફાવે તેવી ભૂંડી ગાળો બોલી ધમકી આપી હતી.
માથાકૂટ કરતો કાલિયો આ બંને સાસુ વહુ ને કહેવા લાગ્યો હતો કે, પમારા પર ખંડણી લૂંટ મારામારીના ગુનાઓ પહેલેથી જ દાખલ છે. હું કોઈનાથી ડરતો નથી. તમારાથી જે થાય તે કરી લો..થ આવું કહી કાલીયાએ મહિલાના સાસુનું ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કાલીયો આ બંને સાસુ વહુ વચ્ચે વધુ બોલાચાલી કરી માથાકૂટ કરતા સાસુએ પોલીસને જાણ કરી હતી.પોલીસ ઘટનાસ્થળે પહોંચતા આ બંને યુવકો મકાનની અગાસી પર ચડી ગયા હતા. જ્યાં કાલીયાએ અગાસી પર પડેલા કાચનો ટુકડો લઈ તેના મિત્રના શરીરે ઇજા કરવા લાગ્યો હતો અને કાલીઓ તેના મિત્ર જયેશના ગળા પર અને શરીરે ચેકા મારી પોલીસને ધમકી આપતો હતો કે, જો મને પકડ્યો તો હું જયેશને મારી નાખીશ અને તમારા પર એટ્રોસિટીનો કેસ કરી બધાને ફીટ કરી દઈશ. એમ કહીં કાલીયો પોતાના શરીર પર પણ કાચના ટુકડાથી આડેધડ ચેકા મારવા લાગ્યો હતો. શરીરે કાચના ચેકા માર્યા બાદ આ બંને યુવાન લોહી લુહાણ હાલતમાં થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકો પણ આ ઘટના જોવા એકઠા થયા હતા ત્યારે એ ડિવિઝન પોલીસે આ બંને યુવકોને પકડી સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને ત્યારબાદ કાલીયો અને તેના મિત્ર જયેશ વઘેરા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ. જાહેરમાં અશ્ર્લીલ હરકતો, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.