સપનામાં શિવલિંગ પર બેઠેલો શ્ર્વાન જોયો ને રાજેશ હુમલો કરવા પહોંચ્યો
દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો કરનાર રાજકોટના શખ્સની વિચિત્ર વાતોથી પોલીસ મૂંઝવણમાં
અયોધ્યામાં પણ વાંદરાઓ માટે અનશન કરી ચૂકયો છે, દિલ્હીના CM નિવાસ બહાર પણ અનશનનો પ્લાન હતો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર રાજકોટના રાજેશ ખીમજીભાઇ સાકરીયાની પોલીસ પુછપરછમાં કેટલાક ચોંકાવનારા ખૂલાસા થયા છે અને પોલીસ પણ મુંઝવણમા મુકાઇ ગઇ છે.
પોલીસ પૂછપરછમા રાજેશ સાકરીયાએ જણાવ્યુ હતુ કે , તેણે સપનામા જોયું હતું કે, શિવલિંગ પર કૂતરૂ બેઠુ છે, જેના કારણે આરોપીએ માની લીધુ કે શિવજીએ કુતરાઓ માટે અવાજ ઉઠાવવા તેને પસંદ કર્યો છે આજ સમય દરમિયાન દિલ્હીમાં સરકાર દ્વારા કુતરાઓને ચોકકસ જગ્યાએ સ્થળાંતર કરવા સેલ્ટર હોમ બનાવવાની વાતચિત અંગેના વીડિયો જોયા હતા જેના કારણે તે દિલ્હી પહોંચ્યો હોવાનુ જણાવ્યુ છે . રાજેશના આ જવાબોથી પોલીસ પણ ગોટે ચડી છે. જો કે , તેની માનસિક સ્થિતિ અંગે પણ ચર્ચા શરૂ થઇ છે.
પોલીસની તપાસમાં રાજેશભાઈ ખીમજીભાઈ અંગે અનેક નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તે સમયે કોઈ કેસ નોંધાયો નહોતો. તે રાજકોટથી દિલ્હી કેવી રીતે આવ્યો, તે પોલીસે બધું જ જણાવ્યું છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, આરોપી રાજેશભાઈ ખીમજીભાઈ 17 ઓગસ્ટે રાજકોટથી નીકળ્યો હતો. ત્યારબાદ તે અમદાવાદ ગયો. અમદાવાદથી ઉજ્જૈન જવા માટે ઇન્દોર-ગાંધીનગર એક્સપ્રેસ ટ્રેન પકડી. 18 ઓગસ્ટે આરોપી ઉજ્જૈન પહોંચ્યો, જ્યાં તેણે મહાકાલ, કાલ ભૈરવ મંદિરના દર્શન કર્યા. 18 ઓગસ્ટની સાંજે 6:30 વાગ્યે આરોપીએ દિલ્હી આવવા માટે ઇન્દોર-નવી દિલ્હી એક્સપ્રેસ ટ્રેન પકડી. આરોપીએ ટ્રેનની ટિકિટ લીધી નહોતી. ત્યારબાદ 19 ઓગસ્ટે સવારે 6:30 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યો.
પોલીસના જણાવ્યા મુજબ, ત્યારબાદ આરોપી કરોલબાગના હનુમાન મંદિર પહોંચ્યો અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. આરોપીએ પૂછપરછમાં દાવો કર્યો છે કે, તે દિલ્હી સીએમ નિવાસની બહાર અનશન કરવાનો પ્લાન કરી ચૂક્યો હતો. હનુમાન મંદિર પર રહેતા સમયે તેણે સીએમ નિવાસનું સરનામું પૂછ્યું. ત્યારબાદ તે કરોલ બાગથી શાલીમાર બાગ મેટ્રો સ્ટેશન પહોંચ્યો. શાલીમાર બાગ મેટ્રોથી સીએમ નિવાસ સુધી 50 રૂૂપિયામાં ઓટો રિક્ષાથી આવ્યો. સીએમ નિવાસ પર પહોંચીને આરોપીએ સીએમને મળવા માટે સમય માગ્યો હતો.
દિલ્હી પોલીસની તપાસ મુજબ, રાજેશે જ્યારે સીએમને મળવાનો સમય માંગ્યો ત્યારે સીએમ સ્ટાફે જણાવ્યું કે, મેડમ બુધવારે જન સુનાવણીમાં સવારે 8:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી સામાન્ય જનતાને મળે છે.
ત્યારે આવજો. ત્યારબાદ તે શાલીમાર બાગથી સિવિલ લાઈન્સ પહોંચ્યો અને ગુજરાત ભવનમાં રોકાયો. 20 ઓગસ્ટની સવારે રાજેશભાઈ ખીમજીભાઈ જન સુનાવણી દરમિયાન પહોંચ્યો. પોતાનો વારો આવતા જ તેણે સીએમ રેખા ગુપ્તા પર હુમલો કર્યો. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે, તે ગુજરાતમાં પણ પશુઓના હિત સાથે જોડાયેલા મામલામાં અનશન કરી ચૂક્યો છે.
પોલીસની તપાસમાં આ વાત પણ સામે આવી છે કે, આરોપી મે મહિનામાં અયોધ્યા ગયો હતો જ્યાં વાંદરાઓ માટે અનશન કરી ચૂક્યો છે.
રાજેશની માનસિક સ્થિતિ પણ ધ્યાને લેવી જરૂરી
દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો કરનાર રાજેશ સાકરીયાની કેટલીક વાતો અને કબુલાતો સાંભળી પોલીસ ધંધે લાગી છે ત્યારે આ શખસની માનસિક સ્થિતિ પણ સારી ન હોવાની વાત સામે આવી છે . રાજેશના પરિવારજનોએ પણ તેની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાની તેમજ ઘરમાં પણ ઝઘડા કરતો હોવાની વાત કરી છે. આ ઉપરાંત રાજકોટમાં પણ તેની સામે મારામારીના ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યુ છે ત્યારે દિલ્હી પોલીસ તેને કોઇ હાર્ડકોર ક્રિમિનલની દ્રષ્ટીએ જોવાના બદલે તેની માનસિક સ્થિતિને પણ ધ્યાને લ્યે તે જરૂરી છે. રાજેશના પરિવારજનો પણ ખૂબ ગરીબ છે અને દિલ્હી જઇને રાજેશને કોર્ટમાંથી છોડાવવા કાનુની લડત લડી શકે તેવી પણ તેની સ્થિતિ નથી.