ગુંદાસરામાં ચણા લેવા વાડીએ ગયેલી પરિણીતા પર ખેડૂતે ઘેની પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું
- પરિણીતાને ફડાકા ઝીંકી બેભાન કરી દેહ અભડાવ્યો: પતિ વાડીએ જતાં પત્ની બેભાન પડી હતી
ગોંડલના ગુંદાસરા ગામમાં પરિણીતાને ચણા લેવાં વાડીએ બોલાવી ઘેની પ્રવાહી પિવડાવી રામ કાળુ નામના ખેડૂતે ફડાકા ઝીંકી દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં આરોપી નાસી ગયો હતો.મોડે સુધી પત્ની ઘરે ન પહોંચતા પતિએ વાડીએ તપાસ કરતાં પત્ની બેભાન હાલતમાં પડી હતી.બાદમાં તેઓએ પત્નીને સારવારમાં પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.વધુ વિગતો મુજબ,ગોંડલના ગુંદાસરા ગામમાં રહેતી એક પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ગામનો જ રામ કાળુ નામનો શખ્સ તેઓના ઘર પાસે આવ્યો હતો અને તેણીને પોતાની વાડીએથી ચણા લઈ જવા કહ્યું હતું.બાદમાં વાડીએ ગયેલી મહિલાને આરોપીએ પહેલાં સોડા પિવડાવી બાદમાં કોઈ ઘેની પ્રવાહી પિવડાવવાનો પ્રયાસ કર્યો હતો પણ મહિલાએ ઇન્કાર કરતાં તેણીને આરોપીએ ફડાકા ઝીંકી ધરારથી પ્રવાહી પિવડાવી બેભાન કરી હતી.બાદમાં આરોપીએ મહિલાનું શિયળ લૂંટયું હતું અને બાદમાં તેને ઓરડીમાં જ બેભાન હાલતમાં છોડી તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.બાદમાં તેના પતિને જાણ થતાં તેઓએ તેણીને સારવારમાં પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
વધુમાં ભોગ બનનાર મહિલાના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરી કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. ગઈકાલે તે કામ પર ગયાં બાદ તેની પત્નીએ આરોપીની વાડીએ ચણા લેવા જાય છે તેવું જણાવ્યું હતું.બાદમાં દસ વાગ્યે તેની પત્નીને ફોન કરતાં તેણી બેભાન હાલતમાં વાત કરતી હોય જેથી તેઓએ વાડીએ જઈ તપાસ કરતાં બેભાન હાલતમાં પડેલ હતી અને તેણીએ બેભાન હાલતમાં તેની સાથે થયેલ દુષ્કર્મની વાત જણાવી હતી.આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.