ગીર સોમનાથ જિલ્લામાં સમર્થ લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરતા લાખોની જમીન ખુલ્લી થઇ
જિલ્લામાં ચાલી રહેલા ડિમોલિશનને વેગવાન બનાવતાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં ગામથી લઈ શહેર સુધી સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ રીતે, સમર્થ અને શક્તિશાળીએ લોકોએ કરેલા દબાણો દૂર કરીને નાના માણસોને પડતી હાલાકીને દૂર કરી સામાન્ય લોકોની સગવડમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર જિલ્લામાં ડિમોલિશન દ્વારા કલેક્ટરેે સ્પષ્ટ રીતે સંદેશો આપ્યો છે કે, સરકારી જમીન પર થયેલું દબાણ કોઈપણનું હશે, તો પણ કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં.
આ રીતે ખેતર, ખોરડા અને શહેરની શેરીઓ સુધી ગેરકાયદેસર દબાણ પર સરકારી બુલડોઝર ફર્યું હતુ. આ રીતે ખુલ્લી થયેલી સરકારી જમીન પર વિવિધ નાગરિક સુવિધાના કામો પણ ઊભા કરવામાં આવનાર છે.વેરાવળ તાલુકાના બાદલપરા ગામે ગૌચરમાં ગેરકાયદેસર થયેલ 652 ચો.મી.ના અને ગામતળ 72 ચો.મી માં થયેલ કાચા બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. જેની બજાર કિંમત રૂ.32.58 લાખ જેટલી થવા જાય છે. હજુ દબાણ હટાવવાની કામગીરી ચાલું છે.
આ ઉપરાંત, વેરાવળ તાલુકાના તાલાલા-વેરાવળ હાઇવે પર મોરાજ ગામના 13 કોમર્શિયલ દબાણ, બે ટોયલેટ બ્લોક દૂર કરી 4,000 ચોરસ મીટર જમીન તથા ગોવિંદપુરા ગામમાં 16 કોમર્શિયલ દબાણ અને બે ટોયલેટ બ્લોક દૂર કરી 4,પ00 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.આમ, આજે ગામથી નગર સુધી અનેક જગ્યાએ સરકારી જમીન પર તથા ગૌચર પર થયેલા દબાણ દૂર કરીને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.