ગાંધીગ્રામમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી રીંકલબેન હાર્દિકભાઈ પરમાર નામની 27 વર્ષની પરિણીતા રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે પતિ હાર્દિક પરમાર સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થતાં તેણીને માઠું લાગી આવતા ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પરિણીતાના સાત વર્ષ પૂર્વે લગ્ન થયા છે અને તેણીને સંતાનમાં એક પુત્ર છે અને પતિ હાર્દિક પરમાર બે દિવસનું કહી ત્રણથી ચાર દિવસ સુધી મિત્રો સાથે ફરવા જતો રહેતા બંને વચ્ચે બોલાચાલી થતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં નવલનગરમાં રહેતી કિંજલબેન શૈલેષભાઈ પનારા નામની 20 વર્ષની પરિણીતાએ રાત્રિના સમયે ફિનાઈલ પી લીધું હતું. જ્યારે જામનગરમાં નાનકપુરીવાસમાં રહેતા મહેશભાઈ ચંદુભાઈ પરમાર નામનો 22 વર્ષનો યુવાન રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ચૌધરી હાઇસ્કુલ ચોક નજીક ડિસ્ટ્રીક બેંક સામે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ફિનાઈલ પી લીધું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.