કેશોદના ફાગળી ગામે પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત
ઘરેલુ હિંસા અને દહેજ સંબંધી ત્રાસના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે કેશોદ તાલુકાના ફાગળી ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાની માતાએ જમાઈ વિરુદ્ધ પુત્રીને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પતિની ધરપકડ કરી છે. આ ઘટનામા મૃતક મીનાબેન યાદવે 16 સપ્ટેમ્બર, 2025ના રોજ તેમના સાસરિયામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ મામલે મીનાબેનની માતા નાથીબેન રાઠોડે તેમના જમાઈ હિતેશ બીજલભાઈ યાદવ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મીનાબેનના લગ્નને 13 વર્ષ થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેમનો પતિ હિતેશ સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને મીનાબેન અનેકવાર પોતાના પિયર રિસામણે જતા રહ્યા હતા.
કેશોદ એસપી બી.સી. ઠક્કરએ આ કેસની વિગતો આપતા જણાવ્યું કે, પતિના ત્રાસથી કંટાળીને મીનાબેને પોતાના પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ પણ દાખલ કર્યો હતો. આ કેસમાં હિતેશ યાદવને અઢી લાખ રૂૂપિયાથી વધુની રકમ ચૂકવવાની હતી. આ રકમ ચૂકવવી ન પડે તે માટે હિતેશ અને તેના પરિવારે મીનાબેન સાથે સમાધાન કરી તેમને પરત ઘરે લઈ આવ્યા હતા. જોકે, સમાધાન બાદ પણ આરોપી પતિનો ત્રાસ યથાવત્ રહ્યો હતો. તે વારંવાર મીનાબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
આ અસહ્ય ત્રાસથી કંટાળીને મીનાબેને આખરે આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધું. આ કરુણ ઘટનાથી એક માસૂમ દીકરીએ તેની માતાની છત્રછાયા ગુમાવી છે. કેશોદ પોલીસે આ ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને આરોપી પતિ હિતેશ યાદવની ધરપકડ કરી છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.