દ્વારકામાં નગરપાલિકાની દાદાગીરી સામે લારી-ગલ્લાવાળાઓનો તંત્ર સામે રેંટિયો કાતી અનોખો વિરોધ
દ્વારકામાં સ્થાનિક લારી-ગલ્લાવાળાઓ તેમજ પાથરણાવાળાઓના પ્રશ્ને ચાલી રહેલું આંદોલન આજે નવમા દિવસમાં પ્રવેશ્યું છે. ત્યારે આ નાના ધંધાર્થીઓએ રેંટિયો કાતિને તંત્રને ગાંધી સંદેશ પાઠવ્યો હતો.
દ્વારકામાં ચાલી રહેલા આંદોલનમાં વિરોધ વ્યક્ત કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગાંધીજીએ રેંટિયા દ્વારા ગોરા અંગ્રેજોને એક સંદેશો આપ્યો હતો. ત્યારે ગુરુવારે લારી ગલ્લા પાથરણા વાળા લોકોએ પણ આ કહેવાતા કાળા અંગ્રેજોને સંદેશો આપ્યો છે. જેમાં અમને અમારો ધંધો રોજગાર કરવા દો, તમને અમારી ચાર ફૂટની રેંકડી દેખાય છે તો ગેરકાયદેસર બાંધકામ કેમ નથી દેખાતું? બી.યુ. પરમિશન વગરની હોટેલ દેખાતી નથી? તેવા વેધક સવાલો સાથે તંત્રની આંખો ખોલવા ગઈકાલે ગુરુવારે આઠમા દિવસે રેંટિયો કાતી, રઘુપતિ રાઘવ રાજારામની ધૂન બોલાવીને અનોખો વિરોધ કર્યો હતો.
આ સાથે દ્વારકાના લારી ગલ્લા પાથરણા વાળાના ઉપવાસ આંદોલનમાં સહભાગી થયેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ એક કવિતા પણ રજૂ કરી હતી. આ કવિતામાં દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટાચારને આડેહાથ લીધો હતો. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને કવિતામાં રજુ કર્યો હતો. ભ્રષ્ટાચાર વ્યક્ત કરવાની સાથે સાથે લારી ગલ્લા વાળાની વ્યથા પણ કવિતામાં આવરી લેવાઈ હતી. ઉપરાંત માયાસર તળાવ, નમો વડ વન, ચારધામ ગેલેરી, લાઈવ દર્શન સ્ક્રીન, ગોમતી ઘટમાં થયેલા કઠિત ભ્રષ્ટાચારનો કવિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા નવ દિવસથી સતત ચાલી રહેલા આ આંદોલને દ્વારકા પંથકમાં ભારે ચર્ચા સાથે તંત્રને પણ દોડતું રાખ્યું છે.