કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડા થયાના સાત દિવસ બાદ ઝેરી દવા પી લેનાર ત્યકતાનું સારવારમાં મોત નીપજ્યું છે. યુવતીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવાડના ધુનધોરાજી ગામે રહેતી મયુરીબેન કરણભાઈ સીતાપરા નામની 24 વર્ષની યુવતી બે દિવસ પૂર્વે બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં યુવતીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન યુવતીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કાલાવડ તાલુકા પોલીસને જાણ કારતા કાલાવડ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મયુરીબેનના પરેશ પાટડીયા સાથે લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન મયુરીબેનને સંતાનમાં એક બાળકનો જન્મ થયો હતો. સાત દિવસ પૂર્વે જ મયુરીબેનના છૂટાછેડા થયા હતા છૂટાછેડા બાદ કોઈ અગમ્ય કારણસર મયુરીબેને ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
