ધ્રોલમાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતીની ગળાફાંસો ખાઈ આત્મ હત્યા
પ્રેમી સહિત બે મહિલા વિરુદ્ધ ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ
જામનગર જિલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમમાં દગો થયો હતો, અને પ્રેમી એ લગ્નની હા પાડ્યા બાદ ફરી જતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. પ્રેમી અને તેની સાથે અન્ય બે મહિલાઓના ત્રાસ અને મરી જવા માટે મજબૂર કરવા અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના ચામુંડા પ્લોટ માં રહેતી મધુબેન ટાભાભાઇ વાઘેલા નામની 32 વર્ષની યુવતિ કે જેને ધ્રોળ ના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા મિલનભાઈ કંટારીયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, અને સૌ પ્રથમ લગ્ન કરી લેવાનો વાયદો કર્યો હતો પરંતુ પ્રેમી એ દગો દીધો હતો, અને લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં અને તારે જે કરવું હોય તે કરી લે, મરવું હોય તો મરી જાજે તેમ કહી મરવા માટે મજબુર કરતાં મધુબેને પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.
આ બનાવ અંગે ધ્રોલ પોલીસને જાણ થતાં ધ્રોળ ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી રાઠોડ પોતાની ટીમ સાથે બનાવ ના સ્થળે પહોંચી ગયા હતા, અને મધુબેનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે મૃતક યુવતીની માતા લક્ષ્મીબેન ટાભાભાઈ વાઘેલા, કે જેનું નિવેદન નોંધ્યું હતું જેમાં પોતાની પુત્રીને મિલનભાઈ કંટારીયા નામના પ્રેમી અને તેની સાથેની બે મહિલાઓ રેખાબેન રમેશભાઈ ચાવડા તેમજ કંકુબેન દેવજીભાઈ ચાવડા કે જેઓ ના ત્રાસથી કંટાળીને મધુબેને આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.
પોલીસમાં વધુમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતીને આરોપી મિલન કંટારીયા સાથે લગ્ન કરવાના હતા, પરંતુ તેણે લગ્નનો ઇનકાર કરી દીધા પછી તારે જે કરવું હોય તે કરજે અને તારે મરી જવું હોય તો મરી જા તેવા શબ્દોના વહેણ કહયા હતા. ઉપરાંત બે મહિલાઓએ પણ તેમાં મદદગારી કરીને ત્રાસ આપ્યો હતો, જેથી તેણીએ વ્યથિત થઈને આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનુ પોલીસમાં જાહેર થયું છે. જે મામલે ધ્રોળ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.