ધોરાજીમાં પતિએ ઘરેણાં વેચી નાખતા પત્નીનો દવા પી આપઘાત
મામાજીના ઘરે લગ્નપ્રસંગમાં જવા દાગીના માંગતા પતિએ વેચી નાખ્યાનું કહેતા લાગી આવ્યું
ધોરાજીના ગોકુલ પાર્કમાં રહેતી ર1 વર્ષીય પરણિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મામાજી સસરાના ઘરે લગ્ન પ્રસંગે પહેરવા માટે ઘરેણા માંગતા પતિએ આર્થિકભીંસના કારણે દાગીના વહેંચી નાખ્યાનુ કહેતા પત્નીને લાગી આવ્યુ હતુ અને તેણીએ આપઘાત કરી લીધો હતો.
મળતી વિગતો મુજબ જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામના વિનેશભાઇ પ્રેમજીભાઇ કરસેજાની પુત્રી મિતલ (ઉ.વ. ર1) ના લગ્ન એક વર્ષ પુર્વે ધોરાજીના ગોકુલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે રહેતા દિપક શંખેસરીયા (ઉ.વ. ર1) સાથે થયા હતા. થોડા વખત પુર્વે દિપકને શાકભાજીના વેપારમાં મંદી આવતા દેણુ થઇ જતા તે દેણુ ભરપાઇ કરવા મિતલબેનને ચડાવેલા દાગીના વહેંચી નાખ્યા હતા. થોડા દિવસ પુર્વે દિપકના મામાના પુત્રના લગ્ન હોય જેથી પત્ની મિતલે પ્રસંગમાં પહેરવા માટે ઘરેણાની વ્યવસ્થા કરી આપવા જણાવ્યુ હતુ. પરંતુ દિપકે પૈસાની સગવડ ન હોય દાગીના વહેચી નાખ્યાનુ જણાવતા મિતલને લાગી આવતા તેણે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પુર્વે જ તેનુ મોત થયુ હતુ.